દ્વારકા-પોરબંદર- સોમનાથને, પ્રવાસન સર્કિટ જાહેર કરવા માંગ.
પોરબંદર, 07 જૂન (હિ.સ.)પોરબંદરના લાંબા ગાળાના આર્થિક વિકાસ, રોજગારી સર્જન અને વૈશ્વિક ઓળખને નવી દિશા આપવા માટે “દ્વારકા-પોરબંદર-સોમનાથ ત્રિવેણી કોરીડોર”ની રાજ્યસ્તરીય સત્તાવાર જાહેરાત કરવાની માંગ સાથે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડ
દ્વારકા-પોરબંદર- સોમનાથને, પ્રવાસન સર્કિટ જાહેર કરવા માંગ.


પોરબંદર, 07 જૂન (હિ.સ.)પોરબંદરના લાંબા ગાળાના આર્થિક વિકાસ, રોજગારી સર્જન અને વૈશ્વિક ઓળખને નવી દિશા આપવા માટે “દ્વારકા-પોરબંદર-સોમનાથ ત્રિવેણી કોરીડોર”ની રાજ્યસ્તરીય સત્તાવાર જાહેરાત કરવાની માંગ સાથે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાને વિગતવાર રજૂઆત કરવામાં આવી છે.

પોરબંદરના કેતન ભરાણિયાએ કરેલી આ રજૂઆતમાં પોરબંદરને ગુજરાતના અગ્રણી પ્રવાસન કેન્દ્ર તરીકે વિકસાવવા માટે અનેક સૂચનો કરવામાં આવ્યા છે.કેતન ભરાણિયાએ રજૂઆતમાં જણાવાયું છે કે પોરબંદર પાસે સુદામાપુરી તરીકેની આધ્યાત્મિક ઓળખ, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ, સાંદીપનિ આશ્રમ, વિશાળ દરિયાકિનારો, સમૃદ્ધ ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસો તેમજ બરડા અભ્યારણ્ય જેવી વિશિષ્ટતાઓ છે.

આટલી સંભાવનાઓ હોવા છતાં પોરબંદરને હજુ સુધી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રવાસન નકશામાં યોગ્ય સ્થાન મળ્યું નથી.પ્રસ્તાવ અનુસાર દ્વારકા અને સોમનાથ જેવા દેશના બે મહત્વના ધાર્મિક પ્રવાસન કેન્દ્રો વચ્ચે પોરબંદરનું વ્યૂહાત્મક સ્થાન છે. દર વર્ષે લાખો પ્રવાસીઓ દ્વારકા અને સોમનાથની મુલાકાતે આવે છે. જો આ પ્રવાસીઓમાંથી માત્ર 10 થી 20 ટકા પ્રવાસીઓને પણ પોરબંદર તરફ આકર્ષી શકાય તો સ્થાનિક વેપાર, હોટેલ ઉદ્યોગ, ટ્રાવેલ અને ટ્રાન્સપોર્ટ ક્ષેત્રમાં નોંધપાત્ર વૃદ્ધિ થશે અને હજારો લોકોને રોજગારીની નવી તકો ઉપલબ્ધ થશે.

રજૂઆતમાં રાજ્ય સરકાર દ્વારા “દ્વારકા-પોરબંદર-સોમનાથ ત્રિવેણી કોરીડોર”ને સત્તાવાર પ્રવાસન સર્કિટ તરીકે જાહેર કરવાની માંગ કરવામાં આવી છે. સાથે જ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર વ્યાપક બ્રાન્ડિંગ અભિયાન, માર્ગદર્શક સાઈનેજ સિસ્ટમ, બીચ કોટેજ, ટેન્ટ સિટી, નેચર કેમ્પ, ફૂડ ઝોન અને કલ્ચરલ પ્લાઝા જેવા પ્રોજેક્ટ વિકસાવવા સૂચન કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત પોરબંદર-દ્વારકા-સોમનાથ ફેરી સેવા શરૂ કરવા, સુદામા મંદિર, કીર્તિ મંદિર અને ચોપાટી વિસ્તારને જોડતી આધ્યાત્મિક સર્કિટ વિકસાવવા, હેરિટેજ વોક, ડોક્યુમેન્ટરી અને સંશોધન પ્રવૃત્તિઓ શરૂ કરવા તેમજ ડિજિટલ પ્રમોશન અને ઈન્ફ્લુએન્સર અભિયાન ચલાવવાની પણ દરખાસ્ત કરવામાં આવી છે. વોટર સ્પોર્ટ્સ અને “સુદામા મહોત્સવ” જેવા આયોજન દ્વારા, પોરબંદરને આંતરરાષ્ટ્રીય સ્તરે નવી ઓળખ મળી શકે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

રજૂઆતમાં જણાવાયું છે કે, રાજ્ય સરકાર દ્વારા યોગ્ય આયોજન અને દુરદેશી અભિગમ સાથે આ પ્રસ્તાવનો અમલ કરવામાં આવે તો આગામી વર્ષોમાં પોરબંદર માત્ર ગાંધીજીની જન્મભૂમિ તરીકે નહીં, પરંતુ ગુજરાતના સૌથી આકર્ષક અને અગ્રણી પ્રવાસન કેન્દ્ર તરીકે ઉભરી શકે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande