નવાગામ (ગોરખમઢી) ખાતે માનવવસ્તીમાં ભય ફેલાવતી માદા દીપડીને વન વિભાગે સફળતાપૂર્વક પાંજરે પૂરી
ગીર સોમનાથ, 07 જૂન (હિ.સ.) : સુત્રાપાડાવન વિભાગ દ્વારા વન્યજીવો અને માનવ સુરક્ષાને ધ્યાને રાખીને વધુ એક સફળ રેસ્ક્યુ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. સુત્રાપાડા રાઉન્ડ હેઠળ આવેલા નવાગામ (ગોરખમઢી) વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ખુલ્લેઆમ દેખાઈ સ્થાનિક
માનવવસ્તીમાં ભય ફેલાવતી માદા દીપડીને વન વિભાગે સફળતાપૂર્વક પાંજરે પૂરી


ગીર સોમનાથ, 07 જૂન (હિ.સ.) : સુત્રાપાડાવન વિભાગ દ્વારા વન્યજીવો અને માનવ સુરક્ષાને ધ્યાને રાખીને વધુ એક સફળ રેસ્ક્યુ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. સુત્રાપાડા રાઉન્ડ હેઠળ આવેલા નવાગામ (ગોરખમઢી) વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ખુલ્લેઆમ દેખાઈ સ્થાનિક રહેવાસીઓ અને ખેડૂતોમાં ભયનો માહોલ સર્જનારી એક માદા દીપડીને વન વિભાગની ટીમે ગત રાત્રે સફળતાપૂર્વક પાંજરે પૂરી લીધી હતી.

નવાગામ (ગોરખમઢી) પુલ નજીક આ દીપડી વારંવાર દેખાતી હોવાના કારણે ગ્રામજનોમાં ચિંતા અને ભય વ્યાપી ગયો હતો. દીપડી માનવ વસાહત નજીક જોવા મળતા સ્થાનિક લોકો દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ સુત્રાપાડા રાઉન્ડના અધિકારીઓ અને સ્ટાફે તાત્કાલિક કામગીરી હાથ ધરી દીપડીને પકડવા માટે વ્યૂહાત્મક આયોજન કર્યું હતું.

વન વિભાગ દ્વારા પ્રાચી બીટ વિસ્તારમાં આવેલા ખેડૂતની માલિકીની વાડીમાં પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. સતત દેખરેખ અને સતર્ક કામગીરીના પરિણામે દીપડી પાંજરામાં આબાદ ઝડપાઈ ગઈ હતી. સમગ્ર ઓપરેશન સફળતાપૂર્વક પૂર્ણ થતાં સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

વન વિભાગના જણાવ્યા મુજબ પાંજરે પુરાયેલી માદા દીપડીની અંદાજિત ઉંમર 9 થી 12 વર્ષ વચ્ચે હોવાનું માનવામાં આવે છે. દીપડીનું રેસ્ક્યુ ઓપરેશન તા. 04 જૂન, 2026ના રોજ હાથ ધરવામાં આવ્યું હતું. આ કામગીરીમાં સુત્રાપાડા રાઉન્ડ સ્ટાફ તેમજ પ્રાચી બીટના કર્મચારીઓએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

દીપડી પાંજરે પુરાતા ગ્રામજનોએ વન વિભાગની ઝડપી અને અસરકારક કામગીરીની પ્રશંસા કરી હતી. વન વિભાગે લોકોને અપીલ કરી છે કે જંગલ વિસ્તાર અથવા સીમ વિસ્તારમાં રાત્રિના સમયે ખાસ સાવચેતી રાખવી, તેમજ કોઈપણ વન્યજીવ દેખાય તો તાત્કાલિક વન વિભાગને જાણ કરવી.

હાલ પાંજરે પુરાયેલી દીપડીને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી છે અને તેના આરોગ્યની તપાસ સહિતની જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. વન વિભાગ દ્વારા માનવ અને વન્યજીવ વચ્ચેના સંઘર્ષને અટકાવવા સતત સતર્કતા સાથે કામગીરી કરવામાં આવી રહી હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande