
કચ્છ, 07 જૂન (હિ.સ.) : પૂર્વ કચ્છ પોલીસને લાંબા સમયથી ફરાર રહેલા આરોપીને પકડી પાડવામાં નોંધપાત્ર સફળતા મળી છે. આદિપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા ઓગણીસ વર્ષથી કાયદાની પકડથી દૂર રહેલા આરોપીને રાજસ્થાન રાજ્યમાંથી ઝડપી લેવામાં આવ્યો છે.
પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા અને પૂર્વ કચ્છના પોલીસ અધિક્ષક સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં નાસતા-ફરતા આરોપીઓ સામે વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત અંજાર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરી તથા આદિપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.સી. વાળાના માર્ગદર્શન હેઠળ ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને માનવ ગુપ્તચર સૂત્રોની મદદથી તપાસ હાથ ધરી હતી.
સૂત્રોના આધારે મળેલી ચોક્કસ માહિતીના આધારે પોલીસે રાજસ્થાનના બાડમેર જિલ્લામાં આવેલા ધોરીમન્ના વિસ્તાર સુધી પહોંચીને આરોપી હેમારામ ઉર્ફે હરીરામ સોનારામ બિશ્નોઈ (ઉંમર 42)ને ઝડપી પાડ્યો હતો. આરોપી મૂળ મીઠડા ખુર્દ ગામનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.
આરોપી વિરુદ્ધ વર્ષ 2008માં આદિપુર પોલીસ સ્ટેશનમાં ગુજરાત પ્રોહિબિશન અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. ગુનો નોંધાયા બાદથી તે સતત ફરાર રહ્યો હતો અને પોતાની ઓળખ તથા રહેઠાણ બદલતો રહેતાં પોલીસની નજરથી દૂર રહેવામાં સફળ રહ્યો હતો. જોકે આધુનિક ટેક્નોલોજી અને ચોક્કસ બાતમીના આધારે પોલીસ ટીમે આખરે તેને કાયદાની જાળમાં લાવી દીધો.
પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરીને તેની સામે જરૂરી કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એમ.સી. વાળા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.એમ. ડુવા તથા આદિપુર પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
લાંબા સમયથી ફરાર આરોપીને પકડી પાડવામાં મળેલી આ સફળતા પૂર્વ કચ્છ પોલીસની સતર્કતા, સતત દેખરેખ અને ગુનેગારો સામેની કડક કાર્યવાહીની પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ માનવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar