
કચ્છ, 07 જૂન (હિ.સ.) : દર્દીઓની સુખાકારી અને સરકારી આરોગ્ય સુવિધાઓના સુદ્રઢિકરણને લઈને આજે કચ્છના અંજાર ખાતે આવેલી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાના અધ્યક્ષસ્થાને 'રોગી કલ્યાણ સમિતિ' ની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં હોસ્પિટલમાં ઉપલબ્ધ મેડિકલ સુવિધાઓ અને ભવિષ્યના વિકાસકાર્યો અંગે સમીક્ષા કરવામાં આવી હતી.
આજની આ બેઠક દરમિયાન અંજાર સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલની ખૂટતી કડીઓ અંગે રાજ્યમંત્રીના અધ્યક્ષસ્થાને સમીક્ષા કરવામાં આવી હતી. મંત્રી દ્વારા હોસ્પિટલની સુચારુ કામગીરી માટે જરૂરી કાર્યોને પ્રાથમિકતાના ધોરણે પૂર્ણ કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. જેમાં દર્દીઓની સુવિધા માટે હોસ્પિટલ ખાતે નવું ડાયાલિસિસ સેન્ટર કાર્યરત કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
હોસ્પિટલમાં દર્દીઓને વધુ સારી અને નિષ્ણાત આરોગ્ય સેવાઓ મળી રહે તે હેતુથી, હોસ્પિટલમાં ફિઝિશિયન વર્ગ-૧ (બોન્ડેડ) ની ખાલી જગ્યા તેમજ ગાયનેકોલોજિસ્ટ સહિતના અન્ય તમામ નિષ્ણાત તબીબ વર્ગ-૧ ની ખાલી જગ્યાઓ સત્વરે ભરવા માટે સૂચના આપવામાં આવી હતી. સાથે જ, હોસ્પિટલના તબીબી વિભાગો જેવા કે ઓપરેશન થિયેટર, SNCU, લેબર રૂમ વગેરેમાં વોલ્ટેજ સ્ટેબિલાઇઝર લગાવવા અને ઇલેક્ટ્રિકલ સેફ્ટીની પૂરતી વ્યવસ્થા જાળવવા મંત્રીએ સૂચન કર્યું હતું.
માળખાગત વિકાસના ભાગરૂપે, હોસ્પિટલના નવા બિલ્ડિંગના બાકી રહેલા તમામ કામો, જેમાં નગરપાલિકા દ્વારા પાણીના જરૂરિયાત મુજબના નવીન કનેક્શનનું ટ્રાન્સફર, હોસ્પિટલના બાકી રહેલા સિવિલ વર્કના કામો અને જરૂરી ફર્નિચરની ફાળવણી, માળખાગત સુવિધાઓ અને સાધનોને લગતા તમામ જરૂરી કામો વહેલી તકે પૂરા કરવા મંત્રીએ સંબંધિત વિભાગોને જણાવ્યું હતું.
રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ બેઠકના અંતે ઉપસ્થિત આરોગ્ય અધિકારીઓ અને સમિતિના સભ્યોને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં તમામ નિષ્ણાત ડૉક્ટર્સની ખાલી જગ્યાઓ ભરાય તે સુનિશ્ચિત થવું જોઈએ, જેથી ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓને કોઈપણ મુશ્કેલી વિના સમયસર અને શ્રેષ્ઠ આરોગ્યલક્ષી સેવાઓ મળી રહે. કચ્છના નાગરિકોની સુખાકારી માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે ત્યારે હોસ્પિટલના તમામ વિભાગો ઝડપથી કાર્યરત થાય તે દિશામાં તમામ વહીવટી કામગીરી ત્વરિત પૂર્ણ કરવા રાજ્યમંત્રીએ સૂચન કર્યું હતું.
આ બેઠક દરમિયાન અંજાર પ્રાંત અધિકારી એસ.જે.ચૌધરી, હોસ્પિટલના અધિક્ષક ડૉ.રોબિનસિંહ રાઠોડ સહિત આમંત્રિત સભ્યઓ, દાતાઓ અને સંબંધિત વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar