
કચ્છ, 07 જૂન (હિ.સ.) : કચ્છ જિલ્લામાં આગામી ૮ જૂનથી ૧૪ જૂન, ૨૦૨૬ દરમિયાન સ્વચ્છતા પ્રત્યે જનજાગૃતિ વધારવા અને ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતાની સંસ્કૃતિને વધુ મજબૂત બનાવવા માટે વિશેષ “સ્વચ્છતા સપ્તાહ”નું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના માર્ગદર્શન હેઠળ યોજાનાર આ અભિયાનમાં જિલ્લાના તમામ ગામોમાં વ્યાપક સ્તરે સફાઈ કામગીરી અને લોકજાગૃતિના કાર્યક્રમો હાથ ધરાશે.
સ્વચ્છતા સપ્તાહનો મુખ્ય ઉદ્દેશ માત્ર જાહેર સ્થળોની સફાઈ પૂરતો સીમિત નથી, પરંતુ ગ્રામજનોમાં સ્વચ્છતા પ્રત્યે જવાબદારીની ભાવના વિકસાવવાનો અને કચરા વ્યવસ્થાપનને અસરકારક બનાવવાનો પણ છે. આ અભિયાન દરમિયાન ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છ અને આરોગ્યપ્રદ વાતાવરણનું નિર્માણ થાય તે માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે.
અભિયાનની શરૂઆત ૮ જૂનના રોજ સ્વચ્છતા જાગૃતિ રેલી દ્વારા કરવામાં આવશે, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો, વિદ્યાર્થીઓ અને સ્થાનિક સંસ્થાઓ જોડાશે. ત્યારબાદ સમગ્ર સપ્તાહ દરમિયાન પ્લાસ્ટિક મુક્તિ, જાહેર સ્થળોની સફાઈ, જળાશયો અને ખુલ્લા વિસ્તારોની સ્વચ્છતા, ગટર અને ડ્રેનેજ વ્યવસ્થાની સફાઈ તેમજ શેરી-રસ્તાઓ પર એકત્રિત થતા કચરાના નિકાલ જેવી કામગીરીને પ્રાથમિકતા આપવામાં આવશે. સપ્તાહના અંતિમ દિવસે સ્વચ્છતા શપથ સાથે ઘન કચરા વ્યવસ્થાપન અંગે વ્યાપક જનજાગૃતિ ફેલાવવાના કાર્યક્રમો યોજાશે.
જિલ્લાના ગામોમાં આવેલી શાળાઓ, આંગણવાડીઓ, આરોગ્ય કેન્દ્રો, ગ્રામ પંચાયત કચેરીઓ, બસ સ્ટેન્ડ, તળાવો, નદીકાંઠા અને અન્ય જાહેર સ્થળોને વિશેષ સ્વચ્છતા અભિયાન હેઠળ આવરી લેવામાં આવશે. સાથે સાથે પ્લાસ્ટિકના ઉપયોગમાં ઘટાડો, કચરાના વૈજ્ઞાનિક વિભાજન, યોગ્ય નિકાલ અને શ્રમદાન જેવી પ્રવૃત્તિઓ દ્વારા લોકોમાં પર્યાવરણ પ્રત્યેની જવાબદારીનો સંદેશ પહોંચાડવામાં આવશે.
અભિયાનને અસરકારક બનાવવા માટે જિલ્લા અને તાલુકા કક્ષાના અધિકારીઓ વિવિધ ગામોની મુલાકાત લઈને સ્વચ્છતાલક્ષી કામગીરીનું નિરીક્ષણ કરશે. ગ્રામ પંચાયતો, શૈક્ષણિક સંસ્થાઓ, મહિલા મંડળો, યુવા સંગઠનો, સ્વૈચ્છિક સંસ્થાઓ અને સ્થાનિક નાગરિકોની સક્રિય ભાગીદારી દ્વારા આ અભિયાનને લોકચળવળનું સ્વરૂપ આપવાનો પ્રયાસ કરવામાં આવશે.
જિલ્લા વહીવટી તંત્રે નાગરિકોને આ અભિયાનમાં ઉત્સાહપૂર્વક જોડાવા અને પોતાના ગામને સ્વચ્છ, સુંદર અને આરોગ્યપ્રદ બનાવવા માટે સહભાગી બનવા અપીલ કરી છે. “સ્વચ્છ ગામ – સ્વસ્થ ગામ”ના સંકલ્પ સાથે શરૂ થનારા આ સપ્તાહ દરમિયાન સ્વચ્છતા માત્ર અભિયાન નહીં, પરંતુ સામૂહિક જવાબદારી અને જનઆંદોલન તરીકે ઉભરી આવે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar