


પોરબંદર, 07 જૂન (હિ.સ.)એબિલિટી કપ-2026માં ભાગ લેવા માટે ગુજરાતની વ્હિલચેર ક્રિકેટ ટીમ આજે ચેન્નઈ જવા રવાના થઈ છે. 8 થી 11 જૂન દરમિયાન તમિલનાડુના ચેન્નઈ ખાતે યોજાનારી આ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટમાં દેશના 6 રાજ્યોની ટીમો વચ્ચે જોરદાર ટક્કર જોવા મળશે. ટૂર્નામેન્ટમાં ગુજરાત, તમિલનાડુ, કર્ણાટક, છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને આંધ્રપ્રદેશની ટીમો ભાગ લઈ રહી છે.
ગુજરાત ટીમની કમાન પોરબંદરના ભીમા ખુટીને સોંપવામાં આવી છે, જ્યારે ભાવનગરના નિલેશ સોલંકી વાઈસ કેપ્ટન તરીકે ટીમને માર્ગદર્શન આપશે. છેલ્લા બે વર્ષ દરમિયાન, ભીમા ખુટીના નેતૃત્વમાં ગુજરાતની ટીમે નોંધપાત્ર પ્રદર્શન કર્યું છે. ઓડિશામાં યોજાયેલી સ્પર્ધામાં ટીમ સેમિફાઈનલ સુધી પહોંચી હતી, જ્યારે મુંબઈમાં યોજાયેલી ટૂર્નામેન્ટમાં ગુજરાતે ફાઈનલ સુધીનો સફર કર્યો હતો. ભીમા ખુટીનું વ્યક્તિગત પ્રદર્શન પણ હાલ શાનદાર રહ્યું છે.મુંબઈમાં માત્ર 43 બોલમાં સદી ફટકારી તેમણે રેકોર્ડ સજર્યો હતો. ત્યારબાદ પૂણે ખાતે જવાહરલાલ નેહરુ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં પણ બીજી સદી નોંધાવી હતી.
બંને ટૂર્નામેન્ટમાં તેમને બેસ્ટ બેટ્સમેનનો એવોર્ડ મળ્યો હતો. ભીમાએ ગુજરાતની સંસ્થાઓ,ઉદ્યોગપતિઓ અને દાતાઓને અપીલ કરતાં જણાવ્યું હતું કે અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતની વ્હીલચેર ક્રિકેટ ટીમને પૂરતો સહયોગ મળતો નથી. ઘણા ખેલાડીઓ પાસે સ્પોર્ટ્સ વ્હીલચેર પણ ઉપલબ્ધ નથી, છતાં સામાન્ય વ્હીલચેરમાં રમતાં ખેલાડીઓ સતત સારું પ્રદર્શન કરી રહ્યા છે.
યોગ્ય સહયોગ અને પ્રોત્સાહન મળે તો ગુજરાતની ટીમ, રાષ્ટ્રીય સ્તરે ચેમ્પિયન બનવાની ક્ષમતા ધરાવે છે. ગુજરાતની ટીમ હવે ચેન્નઈમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી રાજ્યનું નામ રોશન કરવાની આશા સાથે મેદાનમાં ઉતરશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya