
મહેસાણા, 07 જૂન (હિ.સ.) : વિશ્વ પર્યાવરણ દિવસના ઉપલક્ષમાં ઊંઝા જેસીસ પરિવાર દ્વારા વૃક્ષારોપણ મહોત્સવનું આયોજન કરીને પર્યાવરણ સંરક્ષણનો મહત્વપૂર્ણ સંદેશ આપવામાં આવ્યો હતો. આજનું વૃક્ષારોપણ, કાલનું રક્ષણ સૂત્રને સાકાર કરતા સંસ્થાના સભ્યોએ ઊંઝા અને આસપાસના વિસ્તારોમાં વૃક્ષારોપણ કરી હરિયાળી વધારવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
કાર્યક્રમ દરમિયાન વિવિધ સ્થળોએ મોટી સંખ્યામાં વૃક્ષોના રોપાઓ વાવવામાં આવ્યા હતા. માત્ર વૃક્ષારોપણ પૂરતું નહીં પરંતુ તેના જતન અને સંવર્ધનની જવાબદારી પણ સંસ્થાએ સ્વીકારી છે. પર્યાવરણનું સંતુલન જળવાઈ રહે, પ્રદૂષણમાં ઘટાડો થાય અને આગામી પેઢીને સ્વચ્છ અને હરિયાળું વાતાવરણ મળી રહે તે હેતુથી આ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ઊંઝા જેસીસના કાર્યકરોએ શહેર તેમજ નજીકના ગ્રામ્ય વિસ્તારોમાં વૃક્ષારોપણ કરીને પ્રકૃતિ પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવી હતી. આ અભિયાનથી સ્થાનિક લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાઈ છે અને વૃક્ષોના મહત્વ અંગે સકારાત્મક સંદેશ પહોંચ્યો છે.
નગરજનોએ ઊંઝા જેસીસ પરિવારના આ પ્રયાસને આવકારી સંસ્થાના સભ્યોને અભિનંદન પાઠવ્યા હતા. પર્યાવરણની સુરક્ષા માટે કરવામાં આવતું આ સેવાકાર્ય અન્ય સામાજિક સંસ્થાઓ માટે પણ પ્રેરણારૂપ બન્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR