




- જંબુસરમાં બળદગાડા પર સવાર થઈ કોંગ્રેસનો સરકાર સામે હલ્લાબોલ કર્યો
- મોંઘવારી બાબતે વિરોધ પ્રદર્શન કરતા કોંગ્રેસ આગેવાનો ડિટેઈન કરાયા
- પ્રદર્શનમાં કેન્દ્ર સરકારની આર્થિક નીતિઓ અને વધતી મોંઘવારીને આડે હાથ લેવામાં આવી હતી
ભરૂચ, 07 જૂન (હિ.સ.) : જંબુસર તાલુકા તથા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ડીઝલની અછત, વધતી મોંઘવારી, બેરોજગારી અને ખેડૂતોના પ્રશ્નોને લઈને અનોખું વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાના નેતૃત્વ હેઠળ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો જંબુસર એસટી ડેપો સર્કલ ખાતે બળદગાડા પર સવાર થઈ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો.
પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના આગેવાનો દ્વારા કેન્દ્ર સરકારની આર્થિક નીતિઓ અને વધતી મોંઘવારીને આડે હાથ લેવામાં આવી હતી. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાએ જણાવ્યું હતું કે દેશમાં સતત મોંઘવારી વધી રહી છે, જેના કારણે સામાન્ય માણસનું જીવન મુશ્કેલ બન્યું છે. ખેડૂતોને વાવણીના સમયે ડીઝલ મળતું નથી, પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે, જ્યારે યુવાનોને રોજગારી અને વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
અગાઉ ઈંધણના ભાવમાં સામાન્ય વધારો થતો ત્યારે વિરોધ કરનારા લોકો આજે સતત વધી રહેલા ભાવો સામે મૌન ધારણ કરી બેઠા છે. ખેડૂતો, વેપારીઓ, વિદ્યાર્થીઓ અને મધ્યમવર્ગીય પરિવારો ઉપર વધતી મોંઘવારીનો સીધો બોજ પડી રહ્યો છે.
વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના માજી ધારાસભ્ય સંજયસિંહ સોલંકી, તાલુકા કોંગ્રેસ પ્રમુખ શરદસિંહ રાણા,કિરણ મકવાણા શહેર કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો તથા મોટી સંખ્યામાં કોંગ્રેસ સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા. આગેવાનો દ્વારા બળદગાડા ચલાવી ડીઝલની તંગી અને ખેડૂતોની હાલત તરફ સરકારનું ધ્યાન દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
વિરોધ પ્રદર્શન દરમિયાન જંબુસર પોલીસે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આગેવાનો અને કાર્યકરોને ડિટેઈન કરી સર્કિટ હાઉસ ખાતે લઈ જવામાં આવ્યા હતા. જરૂરી કાર્યવાહી પૂર્ણ થયા બાદ તમામને મુક્ત કરવામાં આવ્યા હતા.
કોંગ્રેસના આગેવાનોએ ચેતવણી આપી હતી કે ખેડૂતો, વિદ્યાર્થીઓ અને સામાન્ય જનતાના પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ નહીં આવે તો આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલનાત્મક કાર્યક્રમો હાથ ધરવામાં આવશે.
જંબુસરમાં યોજાયેલા આ અનોખા બળદગાડા વિરોધ પ્રદર્શને સ્થાનિક રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે અને ખેડૂતોના પ્રશ્નો ફરી ચર્ચાના કેન્દ્રમાં આવ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ