
અમરેલી, 08 જૂન (હિ.સ.) : રાજુલા-ઉના રોડ પર ચારનાળા નજીક મોરી ગ્રુપ પાસે થયેલા માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા દર્દીના કિંમતી સામાનને સુરક્ષિત રાખી તેમના પરિવારજનોને પરત સોંપીને 108 એમ્બ્યુલન્સ ટીમે માનવ સેવા સાથે પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
મળતી માહિતી મુજબ દાઢિયાળી ગામના હિંમતભાઈ ગોવાભાઈ સોલંકી (ઉ.વ. 50) માર્ગ અકસ્માતમાં ઘાયલ થયા હતા. ઘટનાની જાણ થતાં જ નાગેશ્રી 108 એમ્બ્યુલન્સના ઈએમટી રાજુભાઈ બાંભણિયા અને પાયલોટ બાલુભાઈ ગોહિલ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. તેમણે ઘાયલને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે રાજુલા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા.
સારવાર દરમિયાન ઘાયલ પાસે રહેલા અંદાજે ₹76,500 રોકડા, વિવિધ બેંકોના ATM અને ક્રેડિટ કાર્ડ, આધાર કાર્ડ, પાન કાર્ડ તેમજ કિંમતી મોબાઈલ ફોન સહિતનો સામાન ટીમે સુરક્ષિત રાખ્યો હતો. બાદમાં પરિવારજનોનો સંપર્ક કરી હોસ્પિટલ ખાતે તેમના ભત્રીજા અનકભાઈ પાંચાભાઈ સોલંકીને તમામ સામાન સોંપવામાં આવ્યો હતો.
108 સેવાના અમરેલી જિલ્લાના અધિકારી અમાનતઅલી નકવીએ જણાવ્યું હતું કે દર્દીઓના જીવ બચાવવાની સાથે તેમની મિલકતની સુરક્ષા પણ 108 કર્મચારીઓની મહત્વની જવાબદારી છે. 108 ટીમની આ નિષ્ઠા અને પ્રામાણિક કામગીરી બદલ પરિવારજનોએ આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ પ્રોગ્રામ મેનેજર કપિલ સોલંકી અને જિલ્લા અધિકારી અમાનતઅલી નકવીએ ટીમને બિરદાવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai