

ગોધરા, ૮જુન (હિ.સ.)
વડાપ્રધાન ના ૧૨ વર્ષના સફળ કાર્યકાળની ઉજવણીના ભાગરૂપે પંચમહાલ જિલ્લામાં ‘પ્રગતિ પથ યાત્રા’ અને ‘જન કલ્યાણ શિબિર’નું ભવ્ય આયોજન
પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિકાસ કામોના નિરીક્ષણ અને લોકાભિમુખ સેવાઓ પૂરી પાડવા માટે ૨૦ જૂન સુધી વિવિધ કાર્યક્રમોની વણઝાર યોજાશે
ગોધરા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર અજય દહિયાની અધ્યક્ષતામાં યોજાઈ પ્રેસ કોન્ફરન્સ
જિલ્લાના તમામ તાલુકાઓમાં જન કલ્યાણ શિબિરો દ્વારા નાગરિકોને સરકારી યોજનાઓનો લાભ અપાશે: જિલ્લા કલેક્ટર
વડાપ્રધાનશ્રીના ૧૨ વર્ષના સફળ કાર્યકાળ પૂર્ણ થવાના અવસરે પંચમહાલ જિલ્લામાં વિકાસ અને જનસેવાના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉજવણીના ભાગરૂપે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગામી દિવસોમાં ‘પ્રગતિ પથ યાત્રા’ અને ‘જન કલ્યાણ શિબિરો’ યોજીને છેવાડાના માનવી સુધી વિકાસના ફળો પહોંચાડવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે.
આ સમગ્ર આયોજન અંગેની વિગતવાર માહિતી આપવા માટે જિલ્લા કલેક્ટર અજય દહિયાની અધ્યક્ષતામાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.
જિલ્લા કલેક્ટર અજય દહિયાએ માધ્યમો સાથેના સંવાદમાં જણાવ્યું કે, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તા.૧૩ જૂન ૨૦૨૬ ના રોજ પ્રબુદ્ધ સંમેલનના ભાગરૂપે વિકસિત ભારત સંમેલનનુ આયોજન કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત જિલ્લામાં વિકાસની ગતિને પ્રદર્શિત કરવા માટે ‘પ્રગતિ પથ યાત્રા’નું બે તબક્કામાં આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રાનો પ્રથમ તબક્કો ૯ અને ૧૦ જૂન દરમિયાન તથા બીજો તબક્કો ૧૧ અને ૧૨ જૂન દરમિયાન યોજાશે. આ યાત્રા દરમિયાન જિલ્લાના મહત્વના વિકાસલક્ષી પ્રકલ્પોની મુલાકાત લેવામાં આવશે, જેમાં ગોધરાના કનેલાવ સ્થિત સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, ચંચોપા ખાતે નવીન આર.ટી.ઓ. કચેરી, ગોધરા રેન્જ આઈજીની નવીન કચેરી અને પંચમહાલ ડેરીના અત્યાધુનિક ઓટોમેટિક મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટનો સમાવેશ થાય છે. આ ઉપરાંત યાત્રાના માધ્યમથી શહેરાના મહેલાણ ખાતે પાનમ લિફ્ટ ઇરીગેશન યોજના, મોરવા હડફની ગવર્નમેન્ટ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ તેમજ ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના વહીવટી ભવન જેવા પ્રકલ્પોની પ્રગતિની સમીક્ષા કરવામાં આવશે. પ્રગતિ પથ યાત્રાના અંતિમ ચરણમાં હાલોલના વિરાસત વન અને પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે માં મહાકાળીના મંદિરની પણ મુલાકાત લેવામાં આવશે.
વધુમાં જિલ્લા કલેક્ટર એ ઉમેરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન ના સેવાકીય અભિગમને સાર્થક કરવા માટે જિલ્લાના તમામ તાલુકાઓમાં ૧૨ જૂન થી ૨૦ જૂન ૨૦૨૬ દરમિયાન ‘જન કલ્યાણ શિબિરો’નું સઘન આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિરો ગોધરા, કાલોલ, હાલોલ, ઘોઘંબા, જાંબુઘોડા, મોરવા હડફ અને શહેરા તાલુકાના વિવિધ ગ્રામ્ય વિસ્તારો તેમજ નગરપાલિકા વિસ્તારોમાં યોજાશે. ગોધરા તાલુકાના અસારડી, ગોધાવ અને એરંડી જેવા ગામોથી લઈને શહેરાના અણીયાદ અને વાડી સુધીના વિસ્તારોમાં આ શિબિરો દ્વારા નાગરિકોને સરકારી યોજનાઓનો સીધો લાભ પૂરો પાડવામાં આવશે. શિબિરો દરમિયાન જે-તે વિસ્તારની પ્રાથમિક શાળાઓ અને પંચાયત ઘરો ખાતે સ્થાનિક પ્રશ્નોના નિરાકરણ અને લોક કલ્યાણની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે.આ આયોજન અંતર્ગત કાલોલ, હાલોલ અને શહેરા નગરપાલિકા વિસ્તારોમાં પણ વિશેષ શિબિરો યોજાશે, જેમાં ૧૨ જૂનના રોજ કાલોલ નગરપાલિકા હોલ અને ૧૮ જૂનના રોજ હાલોલ નગરપાલિકા ગાર્ડન ખાતે કાર્યક્રમો યોજાશે. ઘોઘંબા તાલુકાના વાવકુલ્લી અને કાંટુ જેવા અંતરિયાળ વિસ્તારોમાં ૧૫ જૂનથી શિબિરોનો પ્રારંભ થશે, જે ૨૦ જૂન સુધી ચાલશે.
આમ,પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ તમામ કાર્યક્રમોને સફળ બનાવવા માટે ઝીણવટભર્યું આયોજન કરવામાં આવ્યું છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય વડાપ્રધાન ના ૧૨ વર્ષના સુશાસનને જન-જન સુધી પહોંચાડવાનો અને વિકાસની પ્રક્રિયામાં નાગરિકોની ભાગીદારી સુનિશ્ચિત કરવાનો છે, તેમ જિલ્લા કલેક્ટર એ જણાવ્યું હતું.
આ પ્રસંગે અધિક નિવાસી અધિકારી જે. જે પટેલ, નાયબ માહિતી નિયામકશ્રી એચ. એમ પરમાર તથા જિલ્લાના પત્રકારો મિત્રો ઉપસ્થિત રહ્યાં હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / મહેરા હર્ષદ