
ભાવનગર, 08 જૂન (હિ.સ.) ભાવનગર શહેરમાં દારૂના ગેરકાયદે વેપાર સામે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહી અંતર્ગત લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી)ને મહત્વની સફળતા મળી છે. અગાઉ દાખલ થયેલા ઇંગ્લિશ દારૂના ગુનામાં છેલ્લા ત્રણેક મહિનાથી પકડથી દૂર રહેલો આરોપી હારૂન અવેશભાઈ કટીયાને પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર એલસીબી પોલીસ સ્ટાફ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમી મળી હતી કે કુંભારવાડા વિસ્તારમાં રહેતો હારૂન અવેશભાઈ કટીયા પોતાના રહેણાક મકાનની બાજુમાં આવેલા બંધ હાલતના જુના સંડાસની ઓરડીમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખી વેચાણ કરી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડતા આરોપી ત્યાં હાજર મળી આવ્યો હતો.
તપાસ દરમિયાન પોલીસે સ્થળ પરથી ફોર સેલ ઇન યુ.ટી. ચંદીગઢ તથા રાજસ્થાન ઓનલી લખેલી કંપની સીલપેક બોટલો કબજે કરી હતી. જેમાં બ્લ્યુ સ્ટ્રોક એક્સક્યુઝાઇટ વ્હિસ્કીની 180 એમએલની 192 બોટલો, કિંમત રૂ. 15,360 તથા વિન્ટેજ જામુન વોડકાની 180 એમએલની 93 બોટલો, કિંમત રૂ. 7,440 મળી આવી હતી. આમ કુલ 285 બોટલો સહિત રૂ. 22,800નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો.
ઝડપાયેલ આરોપી હારૂન અવેશભાઈ કટીયા વિરુદ્ધ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. વધુમાં આરોપી અગાઉ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશન ગુનામાં પણ વોન્ટેડ હતો અને છેલ્લા ત્રણ મહિનાથી પોલીસને ચકમો આપી રહ્યો હતો.
પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ પૂછપરછ હાથ ધરી છે તેમજ દારૂના ગેરકાયદે જથ્થાના સ્ત્રોત અને સંકળાયેલા અન્ય વ્યક્તિઓ અંગે તપાસ શરૂ કરી છે. આ કાર્યવાહીથી શહેરમાં ગેરકાયદે દારૂના વેપારમાં સંકળાયેલા તત્વોમાં ચકચાર મચી ગઈ છે.
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA