
જામનગર, 08 જૂન (હિ.સ.) વાંકાનેરના પંચાસીયા ગામેથી માતાજીના મઢે પૂનમ ભરીને આવતા ઉમેશ વડગામાનું અજાણી કારની ઠોકરે મોત નીપજ્યું હતું. વાંકાનેરના પંચાસીયાથી પરત પોતાના ગામ જોડિયાના રસનાળ જતો હતો ત્યારે અકસ્માત સર્જાયો હતો. બનાવથી પરિવારમાં શોક છવાયો હતો.
મળતી માહિતી અનુસાર, ઉમેશ ભગવાનજીભાઈ વડગામા 5 જૂને પોતાના ઘરેથી બાઈક પર વાંકાનેરના પંચાસીયા ગામે આવેલ પોતાના કુળદેવી ચામુંડ માતાજીના મઢે પૂનમ નિમિતે દર્શન કરવા ગયા હતા. પૂનમ ભરી પરત રસનાળ જવા નીકળ્યા ત્યાં રસ્તામાં પંચાસીયા નજીક અજાણ્યા કાર ચાલકે બાઈક સમેત હડફેટે લેતા ઉમેશભાઈને માથે અને શરીરે ગંભીર ઈજા થઈ હતી.
બેભાન હાલતમાં તેમને ટંકારાની સરકારી હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલમાં ખસેડાયા હતા. અહીં સારવાર દરમિયાન આજે વહેલી સવારે 5.45 વાગ્યાં આસપાસ તેમનું મોત નીપજ્યું હતું. પરિવારજનો એ જણાવ્યું કે ઉમેશભાઈ 5 ભાઈ અને 2 બહેનમાં નાના હતા. તેમના પત્નીનું નામ ઉર્મિલાબેન છે. ઉમેશભાઈ સ્પીકર બોક્સ બનાવવાનું અને ફર્નિચર મિસ્ત્રી કામ કરતા હતા. યુવકના મોતથી પરિવારમાં શોક છવાયો હતો. પોલીસે અજાણ્યા કાર ચાલક સામે ગુનો નોંધવા અને તેની શોધખોળ કરવા તજવીજ કરી હતી.
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt