
નવી દિલ્હી, 08 જૂન (હિ.સ.). કેન્દ્ર સરકારે સોમવારે જણાવ્યું કે, પશ્ચિમ એશિયામાં વર્તમાન સંકટ છતાં ક્રૂડ ઓઇલ, એલપીજી અને નેચરલ ગેસનો પુરવઠો સ્થિર રહ્યો છે. સરકારે જણાવ્યું કે આપણી પાસે દેશમાં પેટ્રોલ, ડીઝલ અને ઘરેલું રસોઈ ગેસનો પર્યાપ્ત સ્ટોક ઉપલબ્ધ છે.
પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલયના અધિક સચિવ પ્રવીણ એમ. ખાનૂજાએ, નવી દિલ્હીમાં આંતર-મંત્રાલય પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, પશ્ચિમ એશિયામાં પ્રવર્તમાન પરિસ્થિતિઓ છતાં ક્રૂડ ઓઇલ, એલપીજી અને નેચરલ ગેસનો પુરવઠો સ્થિર રહ્યો છે. ઘરેલું રિફાઇનરીઓ અને ફ્રેક્શનેટર્સ દ્વારા એલપીજીનું ઘરેલું ઉત્પાદન મહત્તમ સ્તરે છે. તેઓ દરરોજ લગભગ 52-53 હજાર મેટ્રિક ટન (ટીએમટી) ઉત્પાદન કરી રહ્યા છે, જે સંકટ પહેલાના સ્તર કરતાં લગભગ 60 ટકા વધુ છે. તેમણે કહ્યું કે એલપીજી ડિસ્ટ્રિબ્યુટરશીપ પર સ્ટોક ખતમ થવાના કોઈ સમાચાર નથી. આ સાથે જ એલપીજી ડિલિવરીનો બેકલોગ ઘટીને 4 દિવસથી પણ ઓછો થઈ ગયો છે, જ્યારે 99 ટકા એલપીજી સિલિન્ડર બુકિંગ હવે ઓનલાઈન થાય છે. વળી, ડિલિવરી ઓથેન્ટિકેશન કોડ (ડીએસી)નો અનુપાલન દર લગભગ 96 ટકા છે.
રસાયણ અને ખાતર મંત્રાલયના અધિક સચિવ અપર્ણા એસ. શર્માએ પત્રકારોને જણાવ્યું કે, વર્તમાન ખરીફ સિઝન માટે ખાતરની ખરીદી 86.65 લાખ મેટ્રિક ટન (એલએમટી) સુધી પહોંચી ગઈ છે, જે કુલ જરૂરિયાતના 22.57 ટકા છે. તેમણે કહ્યું કે ખેડૂતોએ 11.17 એલએમટી ઓર્ગેનિક ખાતર પણ ખરીદ્યું છે, જ્યારે ગયા વર્ષે આ જ સમયે તે 3.20 એલએમટી હતું. આ દર્શાવે છે કે ઓર્ગેનિક પોષક સ્ત્રોતો તરફ ઝુકાવ વધી રહ્યો છે. અપર્ણા એસ. શર્માએ જણાવ્યું કે હાલમાં ખાતરની ઉપલબ્ધતામાં કોઈ મોટી સમસ્યા નથી. ઘરેલું ઉત્પાદન અને આયાત ચાલુ છે અને અત્યાર સુધીમાં 147.40 એલએમટી ખાતરનું ઉત્પાદન અથવા આયાત કરવામાં આવ્યું છે. જૂનમાં 25,000 મેટ્રિક ટનથી વધુ આયાતી યુરિયા, ડીએપી અને એનપીકે ખાતર બંદરો પર પહોંચ્યા છે.
આ ઉપરાંત બંદર, જહાજ પરિવહન અને જળમાર્ગ મંત્રાલયના નિર્દેશક ઓપેશ કુમાર શર્માએ જણાવ્યું કે, આજે બપોરે લગભગ 1:30 વાગ્યે એમટી મેરીવેક્સ જહાજ પર આગ લાગવાની ઘટનાની જાણ થઈ છે. ઘટના સમયે જહાજ પર 24 ભારતીય નાવિકો હાજર હતા. બધા ભારતીય નાવિકો હાલ સુરક્ષિત છે. તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે અમે વિદેશ મંત્રાલય, વિદેશોમાં સ્થિત ભારતીય મિશનો, ભારતીય નૌકાદળ અને સંરક્ષણ મંત્રાલય સાથે મળીને કામ કરી રહ્યા છીએ.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સુનીત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ