જામનગર નજીક સિક્કામાં ટીપીએસ કંપનીના ટેન્ડરમાં બનાવટી અનુભવ પ્રમાણપત્રનો આક્ષેપ
જામનગર, 08 જૂન (હિ.સ.) : જામનગર જિલ્લાના સિક્કા સ્થિત ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ (ટી.પી.એસ.)ના વી.આઈ.પી. ગેસ્ટ હાઉસ માટેના હાઉસકીપિંગ અને કેટરિંગ સર્વિસના ટેન્ડરમાં બનાવટી અનુભવ પ્રમાણપત્ર રજૂ કરી ટેન્ડર મેળવવામાં આવ્યું હોવાના આ
ફ્રોડ


જામનગર, 08 જૂન (હિ.સ.) : જામનગર જિલ્લાના સિક્કા સ્થિત ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ (ટી.પી.એસ.)ના વી.આઈ.પી. ગેસ્ટ હાઉસ માટેના હાઉસકીપિંગ અને કેટરિંગ સર્વિસના ટેન્ડરમાં બનાવટી અનુભવ પ્રમાણપત્ર રજૂ કરી ટેન્ડર મેળવવામાં આવ્યું હોવાના આક્ષેપ સાથે તાપી જિલ્લાના વ્યારાના એક શખ્સ તેમજ વલસાડના એક શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

ફરિયાદ મુજબ, જીએસઈસીએલના સિક્કા ટીપીએસ ખાતે નાયબ મહાપ્રબંધક (માનવસંપદા) તરીકે ફરજ બજાવતા દિપકકુમાર ઈશ્વરભાઈ સિંધાએ રજૂઆત કરી છે કે વર્ષ 2019માં વી.આઈ.પી. ગેસ્ટ હાઉસ માટે હાઉસકીપિંગ અને કેટરિંગ સેવાઓ માટે ઓનલાઈન ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. ટેન્ડર પ્રક્રિયા અંતે પી.જે.પી. કેટરર્સને 11 મહિનાનો વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો.

વર્ક ઓર્ડર મળ્યા બાદ કોન્ટ્રાક્ટર દ્વારા સેવાઓ શરૂ કરવામાં આવી હતી, પરંતુ ભોજન અને અન્ય સેવાઓની ગુણવત્તા અંગે કર્મચારીઓ અને અધિકારીઓ તરફથી વારંવાર ફરિયાદો મળતા બિલમાંથી નિયમ મુજબ પેનલ્ટી કપાત કરવામાં આવતી હતી. ત્યારબાદ કોન્ટ્રાક્ટરના માલિક તાપી જિલ્લાના વ્યારાના વતની જબ્બારસિંહ રાજપુરોહિતે ટેન્ડર પ્રક્રિયામાં ભ્રષ્ટાચાર અને ખોટી કપાતના આક્ષેપો સાથે ઉચ્ચ કચેરીમાં ફરિયાદ કરી હતી.

આ ફરિયાદના અનુસંધાને કરાયેલી આંતરિક તપાસ દરમિયાન ટેન્ડર સાથે રજૂ કરાયેલ અનુભવનું પ્રમાણપત્ર શંકાસ્પદ હોવાનું સામે આવ્યું હતું. તપાસમાં જાણવા મળ્યું હતું કે અતુલ લિમિટેડના નામે રજૂ કરાયેલ અનુભવ પ્રમાણપત્ર મૂળ કંપની દ્વારા આપવામાં આવ્યું ન હતું અને તેમાં ચેડાં કરાયા હોવાનું જણાયું હતું. વધુમાં, અગાઉ અતુલ લિમિટેડમાં કામ કરતા વલસાડ ના વતની મહેશકુમાર સમારામ મહેતાની સંડોવણી પણ બહાર આવી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે ખોટું અને બનાવટી અનુભવ પ્રમાણપત્ર સાચું હોવાનું દર્શાવી ટેન્ડર પ્રક્રિયામાં રજૂ કરીને કોન્ટ્રાક્ટ મેળવવામાં આવ્યો હતો. આ કોન્ટ્રાક્ટ દરમિયાન કુલ રૂ.11,47,531 ના બિલો મંજૂર કરાવવામાં આવ્યા હોવાનું પણ જણાવાયું છે.

આ સમગ્ર મામલે સંબંધિત કેટરિંગ એજન્સીને વર્ષ 2021માં ત્રણ વર્ષ માટે બ્લેકલિસ્ટ કરવામાં આવી હતી. હવે ફરિયાદીએ જબ્બારસિંહ રાજપુરોહિત, મહેશકુમાર મહેતા તથા તપાસ દરમિયાન જે કોઈ જવાબદાર જણાય તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માગ કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande