
વલસાડ, 08 જૂન (હિ.સ.) દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્ર સરહદે આવેલા ઉમરગામ તાલુકામાં હિન્દુ અને જૈન સમાજની યુવતીઓના ધર્માંતરણના બે કથિત કિસ્સાઓ સામે આવતા ચકચાર મચી છે. સંજાણ અને આસપાસના વિસ્તારોની યુવતીઓને નિશાન બનાવી પાસપોર્ટ-વિઝાની પ્રક્રિયા કરાવી લંડન મોકલી ત્યાં લગ્ન કરાવી ધર્માંતરણ કરાવવાના આક્ષેપો કરવામાં આવ્યા છે.
આ મામલે ભાજપ પ્રદેશ મંત્રી સોનલબેન સોલંકી, વિશ્વ હિન્દુ પરિષદ (VHP), બજરંગદળ, RSS તેમજ હિન્દુ-જૈન સમાજના આગેવાનો દ્વારા વલસાડ જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પાઠવી સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ અને કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
આગેવાનોના જણાવ્યા મુજબ અગાઉ આવા કિસ્સાઓમાં સ્થાનિક સ્તરે અથવા કોર્ટ મેરેજ કરવામાં આવતા હતા, પરંતુ ગુજરાતમાં કાયદા વધુ કડક બન્યા બાદ હવે યુવતીઓને મહારાષ્ટ્રના પાલઘર વિસ્તાર મારફતે વિદેશ મોકલવાની નવી પદ્ધતિ અપનાવવામાં આવી રહી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
સોનલબેન સોલંકીએ જણાવ્યું કે આ માત્ર પ્રેમ સંબંધનો મુદ્દો નથી, પરંતુ ચોક્કસ સમાજની યુવતીઓને ટાર્ગેટ કરવાનું એક સુનિયોજિત ષડયંત્ર હોઈ શકે છે. તેમણે માતા-પિતા અને સમાજને સાવચેત રહેવાની અપીલ કરી હતી.
VHPના અગ્રણીઓએ પણ યુવતીઓના બ્રેઈનવોશ થવાની શક્યતા વ્યક્ત કરી છે અને જો સમયસર કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચેતવણી આપી છે.
પોલીસ દ્વારા સમગ્ર મામલે ગંભીરતાથી તપાસ હાથ ધરવાની ખાતરી આપવામાં આવી હોવાનું જણાવાયું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha