



પોરબંદર, 08 જૂન (હિ.સ.) : રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ પોરબંદર જિલ્લામાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો અને વહીવટી તંત્રના સંયુક્ત પ્રયાસોથી પોરબંદર શહેરમાં ‘અમૃત આહાર મોલ’ શરૂ કરવામાં આવ્યો છે, જ્યાં ગ્રાહકોને સીધા ખેડૂતો પાસેથી પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનો ઉપલબ્ધ થઈ રહ્યા છે.
જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણીએ ‘અમૃત આહાર મોલ’ની મુલાકાત લઈ ત્યાં ઉપલબ્ધ પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનો અને ગાય આધારિત વિવિધ વસ્તુઓનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે પ્રાકૃતિક ઉત્પાદનોની ખરીદી કરીને ખેડૂતોના આ નવતર પ્રયાસને પ્રોત્સાહન આપ્યું હતું તેમજ ખેડૂતો સાથે સંવાદ કરી પ્રાકૃતિક ખેતીના લાભો અને તેના વ્યાપ અંગે ચર્ચા કરી હતી. આ પ્રસંગે કલેક્ટરએ ‘અમૃત આહાર મોલ’ના આ અભિનવ પ્રયાસને બિરદાવતાં પોરબંદર શહેર અને જિલ્લાના નાગરિકોને પોતાના તથા પરિવારના ઉત્તમ સ્વાસ્થ્ય માટે પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોને રોજિંદા આહારનો અભિન્ન ભાગ બનાવવા અપીલ કરી હતી.પોરબંદર જિલ્લાના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો દ્વારા સંચાલિત ‘અમૃત આહાર મોલ’ ખાતે વિવિધ પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનો તેમજ ગાય આધારિત વસ્તુઓનું વેચાણ કરવામાં આવે છે. દિલીપ ક્રિકેટ ગ્રાઉન્ડની બાજુમાં, ફ્રેન્ડ્સ પેટ્રોલ પંપ સામે આવેલા તાલુકા પંચાયત ગ્રાઉન્ડ (જૂની રામબા સ્કૂલના ગ્રાઉન્ડ) ખાતે કાર્યરત આ મોલમાં દરરોજ સવારે 9:00 વાગ્યાથી બપોરે 1:00 વાગ્યા સુધી વેચાણ કરવામાં આવે છે.મોલમાં પ્રાકૃતિક પદ્ધતિથી ઉગાડવામાં આવેલા દૂધી, ગલકા, તુરીયા, ભીંડા, કાકડી, કારેલા, ટમેટા, મરચાં, સરગવાની શીંગ, મગ, ચોળી, વટાણા અને લસણ સહિતના તાજા શાકભાજી ઉપલબ્ધ છે. ઉપરાંત ગાયની તાજી છાશ, ગાયનું ઘી તેમજ ગ્રાહકોના ઓર્ડર મુજબ કેસર કેરી સહિતની વિવિધ પ્રાકૃતિક વસ્તુઓનું પણ વેચાણ કરવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે ખેડૂતોને તેમના ઉત્પાદનો માટે સીધું બજાર ઉપલબ્ધ કરાવવા અને ગ્રાહકોને ગુણવત્તાયુક્ત, સ્વાસ્થ્યપ્રદ તથા રાસાયણિક મુક્ત ખાદ્ય પદાર્થો પહોંચાડવાના હેતુથી ‘અમૃત આહાર મોલ’ની શરૂઆત કરવામાં આવી છે. આ પહેલ પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહન સાથે ખેડૂતોની આવક વૃદ્ધિમાં પણ મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya