
અમદાવાદ, 08 જૂન (હિ.સ.) : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં નાગરિકો માટે નાના-મોટા સ્વિમિંગ પૂલ બનાવવામાં આવ્યા છે. ઉનાળામાં વધુ લોકો આવે છે જ્યારે શિયાળામાં નિયમિતં સ્વિમિંગ કરનાર લોકો જ સ્વિમિંગ પૂલ નો ઉપયોગ કરે છે પરંતુ, તંત્ર અને પોલીસની નિષ્ક્રિયતાના કારણે આ સરકારી મિલકતો હવે અસામાજિક તત્વોનો અડ્ડો બની રહી હોય તેમ લાગી રહ્યું છે.
શહેરના સરસપુર વિસ્તારમાં આવેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્વિમિંગ પૂલમાં રાત્રિના સમયે કેટલાક સ્થાનિક અસામાજિક તત્વો ગેરકાયદેસર રીતે ઘૂસીને ન્હાતા હોવાનો એક ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં 10 થી 15 જેટલા યુવકો બળજબરીથી સ્વિમિંગ પૂલમાં ઘૂસીને મોટેથી ગુજરાતી ગીતો વગાડીને, પૂલમાં ધબાકા મારીને ન્હાતા હોવાનું સ્પષ્ટ જોઈ શકાય છે.
અસામાજિક તત્વો દિવાલ કૂદીને કે સિક્યુરિટી સાથે દાદાગીરી કરીને અંદર આવી જાય છે. સ્થાનિક સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સરસપુર વિસ્તારમાં પોટલીયા ચાર રસ્તા પાસે મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત આ સ્વિમિંગ પૂલ આવેલો છે. રાત્રિના સમયે નિયમ મુજબ આ સ્વિમિંગ પૂલ સત્તાવાર રીતે બંધ કરી દેવામાં આવે છે. આમ છતાં, આસપાસના વિસ્તારમાં રહેતા કેટલાક માથાભારે તત્વો મોડી રાત્રે સ્વિમિંગ પૂલની પાછળના ભાગે આવેલી દિવાલ (કોટ) કૂદીને અથવા મુખ્ય દરવાજેથી સિક્યુરિટી ગાર્ડ સામે દાદાગીરી અને ધમકી આપીને અંદર પ્રવેશ કરી જાય છે. આ સ્નાનાગારમાં રાત્રે સિક્યુરિટી ગાર્ડ તૈનાત હોવા છતાં, અસામાજિક તત્વો હથિયારો સાથે ધસી આવતા હોવાથી ગાર્ડ પણ લાચાર બની જાય છે, જેના કારણે સુરક્ષા વ્યવસ્થા સામે અનેક ગંભીર સવાલો ઊભા થયા છે.
આ ચોંકાવનારી બાબત એ છે કે સરસપુર સ્વિમિંગ પૂલમાં ભૂતકાળમાં પણ ત્રણ થી ચાર વખત આ પ્રકારના બનાવો બની ચૂક્યા છે. સ્નાનાગાર વિભાગના ઉચ્ચ અધિકારીઓ સુધી આ મામલે વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ તંત્રના એક પણ અધિકારીએ આ ગંભીર બાબત પર ધ્યાન આપવાની તસ્દી લીધી નથી. આટલું જ નહીં, વારંવાર સુરક્ષા ભંગની ઘટનાઓ સામે આવતી હોવા છતાં તંત્ર દ્વારા આ સ્વિમિંગ પૂલ પરિસરમાં એક પણ સીસીટીવી (CCTV) કેમેરો લગાવવામાં આવ્યો નથી, જે અધિકારીઓની ઘોર બેદરકારી દર્શાવે છે.
ગેરકાયદેસર ઘૂસણખોરીની આ ઘટના અંગે સ્થાનિક પોલીસને પણ તુરંત જાણ કરવામાં આવી હતી અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો પણ હતો. જો કે, આ મામલે પોલીસ દ્વારા કોઈ કડક પગલાં લેવાને બદલે માત્ર સામાન્ય નોંધ કરીને સંતોષ માની લેવામાં આવ્યો હતો. એએમસી સત્તાધીશો દ્વારા પણ આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી નથી. તંત્ર અને પોલીસની આ ઢીલી નીતિના કારણે જ અસામાજિક તત્વોના હોસલા બુલંદ થયા છે અને તેમણે ફરી એકવાર આ કાયદાના લીરેલીરા ઉડાડતો બનાવ અંજામ આપ્યો છે, જેનાથી સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ