નવા શૈક્ષણિક સત્રના પ્રથમ દિવસે ભાવનગર આરટીઓની ખાસ ડ્રાઈવ, નિયમભંગ કરનારા વાહનો સામે કાર્યવાહી
ભાવનગર, 08 જૂન (હિ.સ.) : રાજ્યમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થતાં જ વિદ્યાર્થીઓની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતા ભાવનગર પ્રાદેશિક પરિવહન કચેરી (RTO) દ્વારા શહેરની વિવિધ શાળાઓની બહાર વિશેષ વાહન ચેકિંગ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ઉનાળાની 35 દિ
આરટીઓ દ્વારા કરવામાં આવી રહેલા ચેકિંગ


ભાવનગર, 08 જૂન (હિ.સ.) : રાજ્યમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થતાં જ વિદ્યાર્થીઓની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતા ભાવનગર પ્રાદેશિક પરિવહન કચેરી (RTO) દ્વારા શહેરની વિવિધ શાળાઓની બહાર વિશેષ વાહન ચેકિંગ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ઉનાળાની 35 દિવસની રજાઓ પૂર્ણ થયા બાદ આજે શાળાઓ ફરી શરૂ થતાં જ RTOની ટીમો સવારથી જ વિવિધ વિસ્તારોમાં તૈનાત થઈ ગઈ હતી.

ચેકિંગ દરમિયાન શાળાએ આવતાં અનેક સગીર વિદ્યાર્થીઓ બાઈક, સ્કૂટર અને એક્ટિવા જેવા વાહનો ચલાવતા જોવા મળ્યા હતા. 18 વર્ષથી ઓછી ઉંમરના વિદ્યાર્થીઓને રોકી તેમને ટ્રાફિક નિયમો, માર્ગ સુરક્ષા અને લાઈસન્સ વગર વાહન ચલાવવાના કાયદાકીય પરિણામો અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. પ્રથમ દિવસ અને વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને અધિકારીઓએ વાલીઓને જાણ કરવાની સૂચના સાથે તેમને સમજણ આપી હતી.

આ ઉપરાંત, શાળાના વિદ્યાર્થીઓના પરિવહન માટે ઉપયોગમાં લેવાતી ઓટો રિક્ષા અને સ્કૂલ વાનનું પણ સઘન નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન ક્ષમતા કરતાં વધુ વિદ્યાર્થીઓને બેસાડીને પરિવહન કરતા વાહનો ઝડપાયા હતા. આવા વાહનચાલકો સામે સ્થળ પર જ દંડનીય કાર્યવાહી હાથ ધરી ભારે દંડ વસૂલવામાં આવ્યો હતો.

RTOની તપાસમાં કેટલાક વાહનો પ્રાઈવેટ પાસિંગ હોવા છતાં ગેરકાયદેસર રીતે સ્કૂલ વાન તરીકે ઉપયોગમાં લેવાતા હોવાનું પણ સામે આવ્યું હતું. નિયમો મુજબ સ્કૂલ વાહન માટે કમર્શિયલ પાસિંગ, ફિટનેસ સર્ટિફિકેટ અને અન્ય જરૂરી પરવાનગીઓ હોવી આવશ્યક છે. આ નિયમોનો ભંગ કરનારા વાહનો સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવી હતી.

ભાવનગર RTO દ્વારા શૈક્ષણિક સત્રની શરૂઆતથી જ શરૂ કરાયેલ આ અભિયાનનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓની સલામતી સુનિશ્ચિત કરવાનો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં પણ આવી ચેકિંગ કામગીરી ચાલુ રહેશે અને નિયમોનું ઉલ્લંઘન કરનારા સામે કડક પગલાં લેવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande