
પોરબંદર, 08 જૂન (હિ.સ.)પોરબંદર જિલ્લાના આદિત્યાણા ગામમાં રહેતા એક યુવકને મોબાઈલ ફોન પર વારંવાર કોલ કરી જ્ઞાતિ પ્રત્યે અપમાનજનક શબ્દો બોલી તથા જાનથી મારી નાખવાની ધમકી આપવાના મામલે ત્રણ શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
ફરિયાદી સુરેશ સામતભાઈ ખરા (ઉ.વ. 25), રહે. આદિત્યાણા ગામ, મજૂરી કામ કરે છે. ફરિયાદ મુજબ તેઓ પોતાના રહેણાંક મકાન પાસે આવેલા પાણીના ટાંકા નજીક હતા ત્યારે આરોપીઓ દ્વારા તેમના મોબાઈલ નંબર. 6351869669 પર વારંવાર ફોન કરવામાં આવ્યા હતા. આ બનાવમાં આરોપી સાજીદ ઉર્ફે દડી અલારખા કલેજા, ઈમ્તિયાજ ઉર્ફે કટકી તથા મકસુદ સેતા, તમામ રહે. માણાવદર, જી. જુનાગઢના નામ સામે આવ્યા છે.આરોપીઓએ પોતાના અલગ-અલગ મોબાઈલ નંબર પરથી ફરિયાદીને ફોન કરી ભુંડી ગાળો આપી હતી.
ફરિયાદ અનુસાર આરોપીઓએ ફરિયાદીની જ્ઞાતિ અંગે અપમાનજનક શબ્દો ઉચ્ચારી તેમને માનસિક ત્રાસ પહોંચાડ્યો હતો.ઉપરાંત ફરિયાદી અને તેમના પરિવારજનોને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ત્રણેય આરોપીઓએ એકબીજાની મદદગારીથી આ કૃત્ય આચર્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
આ બનાવ અંગે પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ કોલ ડિટેઈલ્સ અને અન્ય પુરાવાઓના આધારે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya