
સિલવાસા,08 જૂન (હિ.સ.) દેમણી, દાદરા અને નગર હવેલી: દેમણી સ્કૂલ ફળિયા વિસ્તારમાં રવિવારે મોડી રાત્રે બનેલી હત્યાની એક ચકચારભરી ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભય અને શોકનો માહોલ સર્જી દીધો છે. અજાણ્યા હુમલાખોરોએ ઘરમાં ઘૂસી 35 વર્ષીય પ્રીતેશ પટેલ પર ધારદાર હથિયાર વડે જીવલેણ હુમલો કરી તેમની હત્યા કરી નાખી હતી. આ હુમલામાં તેમની પત્ની અંકિતા પટેલને પણ ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ પ્રીતેશ પટેલ ટેમ્પો ચાલક તરીકે કામ કરતા હતા અને પોતાના પરિવાર સાથે દેમણી સ્કૂલ ફળિયા વિસ્તારમાં રહેતા હતા. રવિવારે રાત્રે અંદાજે 1:00 થી 1:30 વાગ્યાની વચ્ચે 3 થી 4 અજાણ્યા શખ્સો કથિત રીતે બારીના માર્ગે ઘરમાં પ્રવેશ્યા હતા. ત્યારબાદ તેમણે પ્રીતેશ પટેલ પર ધારદાર હથિયાર વડે તાબડતોબ હુમલો કર્યો હતો. ગંભીર ઇજાઓને કારણે પ્રીતેશ પટેલનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
ઘટના સમયે ઘરમાં તેમની પત્ની અંકિતા પટેલ અને એક બાળક હાજર હતા. હુમલા દરમિયાન અંકિતા પટેલને પણ ઇજા પહોંચી હતી, જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મૃતક પોતાના પાછળ પત્ની અને બે સંતાનોને છોડીને ગયા છે.
પ્રાથમિક તપાસમાં આ ઘટનાને ચોરીના પ્રયાસ સાથે જોડીને પણ તપાસ કરવામાં આવી રહી છે, જોકે હત્યા પાછળનું સાચું કારણ હજુ સુધી સામે આવ્યું નથી. ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે.
પોલીસ આસપાસના સીસીટીવી ફૂટેજની તપાસ, સ્થાનિક લોકોની પૂછપરછ તેમજ અન્ય પુરાવાઓના આધારે ગુનાનો ભેદ ઉકેલવાનો પ્રયાસ કરી રહી છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે તપાસ પૂર્ણ થયા બાદ જ હત્યા પાછળનું વાસ્તવિક કારણ સ્પષ્ટ થઈ શકશે.
આ નિર્મમ હત્યાની ઘટનાથી સમગ્ર દેમણી વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને સ્થાનિક લોકોએ આરોપીઓને ઝડપથી ઝડપી કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha