




- ફાયર ફાઇટરોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો આગ છતાં જાનહાનિ ટળી
--ઘટના સ્થળે ડીપીએમસીના ફાયર ટેન્ડરો તાત્કાલિક દોડી આવ્યા
-સંબંધિત વિભાગો દ્વારા આગ લાગવાનું ચોક્કસ કારણ શોધવા તપાસનો દોર શરૂ
ભરૂચ 08 જૂન (હિ.સ.) અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલી સર્વાઇવલ ટેક્નોલોજીસ લિમિટેડ કંપનીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં ભારે દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ડીપીએમસીના ફાયર ટેન્ડરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી.
આગની તીવ્રતાને જોતાં ફાયર ફાઇટરોએ તાત્કાલિક મોરચો સંભાળી લીધો હતો. આગને વધુ ફેલાતી અટકાવવા માટે ફાયર વિભાગના જવાનો દ્વારા સતત પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. કલાકોની ભારે જહેમત બાદ આગને કાબૂમાં લેવાના પ્રયાસો સફળ રહ્યા હતા. હાલમાં પણ ફાયર વિભાગ દ્વારા આગ પર સંપૂર્ણ કાબૂ મેળવવા અને કૂલિંગની કામગીરી સતત ચાલુ રાખવામાં આવી છે.
શોર્ટ સર્કિટની આશંકા, સદનસીબે જાનહાનિ નહીં
આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સત્તાવાર રીતે સામે આવ્યું નથી. જોકે, પ્રાથમિક તબક્કે શોર્ટ સર્કિટના કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ પોલીસ અને સંબંધિત વિભાગ દ્વારા વિવિધ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી છે. સદનસીબે આ સમગ્ર દુર્ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થયા નથી, જેને પગલે તંત્ર અને કંપની સત્તાધીશોએ રાહતનો શ્વાસ લીધો છે.
માલસામાનના નુકસાનનું આકલન ચાલુ
આ ભીષણ આગને કારણે કંપનીના પ્લાન્ટ અને અંદર રહેલા માલસામાનને કેટલું નુકસાન થયું છે, તે અંગેની ચોક્કસ માહિતી મેળવવાના પ્રયાસો હાલ ચાલુ છે. સમગ્ર ઘટનાને લઈને વહીવટી તંત્ર દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ