પૂર્વ ક્રિકેટર અને તૃણમુલ કોંગ્રેસના સાંસદ યુસુફ પઠાણનો હાઈકોર્ટે ઉધડો લીધો, જમીન ખાલી કરી દંડ ભરો
- વડોદરામાં આવેલો યુસુફ પઠાણનો બંગલો, જેની આસપાસની જમીનને લઈ ચાલી રહ્યો છે વિવાદ અમદાવાદ, 08 જૂન (હિ.સ.) : તૃણમુલ કોંગ્રેસના સાંસદ અને ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણની મુશ્કેલીમાં વધારો થયો છે. વડોદરાની વિવાદિત બંગlલાની જમીન મામલે
Trinamool Congress MP Yusuf Pathan


- વડોદરામાં આવેલો યુસુફ પઠાણનો બંગલો, જેની આસપાસની જમીનને લઈ ચાલી રહ્યો છે વિવાદ

અમદાવાદ, 08 જૂન (હિ.સ.) : તૃણમુલ કોંગ્રેસના સાંસદ અને ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણની મુશ્કેલીમાં વધારો થયો છે. વડોદરાની વિવાદિત બંગlલાની જમીન મામલે આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન પઠાણનો ઉધડો લીધો હતો. હાઈકોર્ટે કહ્યું હતું કે, જમીન આપવાનો ફક્ત સ્ટેન્ડિંગ કમિટીનો પ્રસ્તાવ છે. જમીનનું એલોટમેન્ટ થયું જ નથી તો જમીન પર કબજો કેવી રીતે કર્યો? વળી તમે એકપણ રૂપિયો આપ્યો નથી. તમને કોણે કબજો આપ્યો તે અધિકારીનું નામ આપો એટલે તેની સામે તપાસનો હુકમ કરીએ.

જમીન ખાલી કરો નહીંતર દંડ કરીશું. કોર્ટે વધુમાં કહ્યું કે, આ ગુનો છે. તમે અભણ નથી. ઈન્ટરનેશનલ ક્રિકેટર પાસેથી આવી આશા રાખી શકાય નહીં. તમે ભલે જમીન ના વાપરતા હોવ પણ જમીન તમારા કબજામાં હોવાથી ભાડુ ચૂકવવું પડે. જો તમેમ જમીન ખાલી નહીં કરો તો કોર્ટો ઓથોરિટીને પઝેશન લેવા હુકમ કરશે.

યુસુફ પઠાણ દ્વારા વડોદરામાં જમીન મેળવવા માટે અરજી કરતા વર્ષ 2012માં સ્ટેન્ડિંગ કમિટીએ રિઝોલ્યુશન પસાર કરીને માર્કેટ કિંમતે જમીન આપવા પ્રસ્તાવ કર્યો હતો.

વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભાએ તેને મંજૂરી આપી પછી તેની મંજૂરી માટે રાજ્ય સરકાર પાસે ગઈ હતી. રાજ્ય સરકારે વર્ષ 2024માં જમીન આપવાની અરજી નકારી કાઢી હતી.

આ કેસમાં યુસુફ પઠાણ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં વર્ષ 2024માં અરજી કરવામાં આવી હતી. જેમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના 6 જૂન,2024ના નિર્ણયને પડકારવામાં આવ્યો હતો. આ આદેશમાં વીએમસી એ અરજદારને તેમની તરફેણમાં જાહેર હરાજી વિના 99 વર્ષના લીઝ પર પ્લોટ ફાળવવાનો પ્રસ્તાવ નકાર્યો હતો અને પ્લોટ પરનું દબાણ તાત્કાલિક દૂર કરવા સૂચના આપી હતી. ઉપરાંત રાજ્ય સરકારના 9 જૂન ,2014ના આદેશને પણ પડકારવામાં આવ્યો હતો, જેમાં અરજદારને પ્લોટ ન ફાળવવાનો નિર્ણય લેવાયો હતો.

હાઈકોર્ટના સિંગલ જજે નોંધ્યું હતું કે, અરજદાર પાસે પ્લોટના કબજા અંગે કોઈ કાયદેસરનો આદેશ કે ફાળવણી પત્ર ન હોવા છતાં, તેમણે ત્યાં બાઉન્ડ્રી વોલ બનાવીને પ્લોટ પર કબજો જમાવ્યો હતો, જે દબાણ સમાન છે. અરજદારનો દાવો હતો કે વીએમસી સ્વાયત્ત સંસ્થા છે, તેથી રાજ્ય સરકારની મંજૂરીની જરૂર નથી. જો કે કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે અહીં મુદ્દો ફક્ત સેક્શન 79 નો નથી, પરંતુ જાહેર હરાજીની પ્રક્રિયા ટાળવા માટે દરખાસ્ત સરકારને મોકલવામાં આવી હતી.

સિંગલ જજના હુકમ સામે યુસુફ પઠાણે ગુજરાત હાઇકોર્ટમાં ડબલ જજની બેન્ચ સમક્ષ અરજી દાખલ કરી છે. જેમાં આજની સુનાવણીમાં યુસુફ પઠાણ વતી રજૂઆત કરાઈ હતી કે, એક અગત્યનું પરીબળ જે સિંગલ જજ સમક્ષ મુકાયું નહોતું તે વર્ષ 1999ની રાજ્યની એક પોલિસી છે. ભારતીય ટીમના ઇન્ટરનેશનલ ક્રિકેટરને જમીન આપવા બાબતની આ પોલિસી મુજબ તેઓ જમીન મેળવવા હકદાર છે.

કોર્ટે કહ્યું હતું કે વડોદરા મહાનગરપાલિકાએ રાજ્ય પાસે ના જવું જોઈએ એવું ક્યાં લખ્યું છે ? આ તેમની ઇન્ટરનલ પ્રેક્ટિસ હોઈ શકે. અરજદારે કહ્યું હતું કે આ જમીન તેની પાસે 10 વર્ષથી છે, ત્યાં સુધી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન એ કશું ના કર્યું ! કોર્ટે કહ્યું હતુંકે તમે પણ કશું ના કર્યું ? અરજદારના વકીલે જણાવ્યું હતું કે યુસુફે બીજી પાર્ટીમાંથી લોકસભા ચૂંટણી જીતતા આ પગલાં લેવામાં આવ્યા છે. આ જમીન રાજ્ય સરકારે વીએમસી ને આપેલી નથી,વીએમસીની પોતાની છે.જો કે કોર્ટે કહ્યું હતું કે અરજદાર તેનો હકક સિદ્ધ કરે નહીં તો કોર્ટ આ અરજી સાંભળવા માંગતી નથી.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande