
પાટણ, 08 જૂન (હિ.સ.) : ચાણસ્મા નગરની ભારતી સોસાયટી અને મધુવન સોસાયટીના યુવા મિત્રમંડળ દ્વારા દાતાઓના સહયોગથી જોગણીયા માતાજીની ભવ્ય રમેલનું આયોજન કરવામાં આવ્યું હતું. ધાર્મિક ભાવના અને ભક્તિભાવથી ભરપૂર આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. 'રજવાડી રમેલ' તરીકે યોજાયેલા આ કાર્યક્રમમાં માતાજીના જયઘોષ સાથે ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું. દૂર-દૂરથી આવેલા ભક્તોએ માતાજીના દર્શન કરી ધર્મલાભ મેળવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
રમેલમાં ઉપસ્થિત કલાકારોએ માતાજીના ગુણગાન અને ભક્તિગીતોની સુંદર રજૂઆત કરી હતી. તેમના ભજનોએ ભક્તોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. મોડી રાત સુધી ચાલેલા આ ધાર્મિક કાર્યક્રમમાં ભક્તોએ ખમ્મા અને આશીર્વાદ મેળવી માતાજીની આરાધના કરી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ