
- યોજના હેઠળ સરકાર તરફથી મળેલી સહાયથી પપ્પાનું દેવું ચૂકવવામાં ખૂબ જ મોટી રાહત મળી: લાભાર્થી ખુશી માછી
રાજપીપળા,08 જૂન (હિ.સ.) આપણા સમાજમાં દરેક પિતાનું સપનું હોય છે કે પોતાની દીકરીને એક રાજકુમારીની જેમ સાસરે વળાવે. પરંતુ, જ્યારે પરિવારની આર્થિક પરિસ્થિતિ નાજુક હોય ત્યારે પિતા માટે આ સપનું પૂરું કરવું એક મોટો પડકાર બની જતો હોય છે. આવા જ એક સામાન્ય પરિવારની ચિંતા હળવી કરીને ગુજરાત સરકાર નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે રહેતા માછી પરિવાર માટે સાચા અર્થમાં 'માવતર' બની છે.
નાંદોદ તાલુકાના રાજપીપળામાં રહેતા યોગેશ માછીની 20 વર્ષીય દીકરી ખુશીના લગ્ન વર્ષ 2025 ના નવેમ્બર માસ માં લેવાયા હતા. યોગેશભાઈ છૂટક ફળ વેચીને પરિવારનું ગુજરાન ચલાવે છે. મર્યાદિત આવક હોવાથી સમયની માંગ અને આર્થિક વાસ્તવિકતા સમજીને પરિવારે સમૂહ લગ્નમાં જોડાઈને દીકરીના લગ્ન કરાવવાનો નિર્ણય લીધો.
સમૂહ લગ્નમાં જોડાવા છતાં, લગ્નસરાના અન્ય પરચૂરણ ખર્ચાઓ અને દીકરીને કરિયાવર આપવાની ભાવનામાં પિતાએ પોતાની બચત ખર્ચી નાખી અને તેમના પર થોડું દેવું પણ થઈ ગયું હતું.
જીવનની મૂડી ખર્ચાઈ જવાની ચિંતા વચ્ચે, રાજ્ય સરકારની યોજના તેમના માટે એક હાશકારો બની હતી. લગ્નના ગણતરીના દિવસોમાં જ ખુશીબેનને કુંવરબાઇનું મામેરું યોજના અંતર્ગત 12000ની આર્થિક સહાય ત્વરિત મળી ગઈ.
રાજ્ય સરકાર પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતાં ખુશી માછી ભાવુક સ્વરે જણાવે છે કે, મારા સમૂહ લગ્નમાં લગ્ન થયા હોવા છતાં, પપ્પા પર લગ્નના ખર્ચનું દેવું થઈ ગયું હતું. પરંતુ, કુંવરબાઇનું મામેરું યોજના અંતર્ગત સરકાર તરફથી મળેલી સહાયથી પપ્પાનું એ દેવું ચૂકવવામાં અમને મોટી મદદ મળી છે.
વધુમાં ઉમેરતા દીકરી ખુશી જણાવે છે કે, લગ્ન પછી તરત જ આટલી ઝડપથી સહાય મળશે તે અમે વિચાર્યું ન હતું. અમારા જેવા ઓછી આવક ધરાવતા પરિવાર માટે આ યોજના ખરેખર એક આશીર્વાદ છે.
નોંધનીય છે કે, આ યોજના અંતર્ગત સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ તેમજ અન્ય પછાત વર્ગોની પાત્રતા ધરાવતી કન્યાના લગ્ન પ્રસંગે રૂપિયા 12000ની આર્થિક સહાય રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે. વધુમાં લગ્ન થયાના બે વર્ષની મર્યાદામાં દીકરીઓ આ યોજનાનો લાભ લેવા માટે અરજી કરી શકે છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની કુંવરબાઇનું મામેરું યોજના માત્ર ખુશી માછી જ નહીં પણ તેમના જેવી અનેક કન્યાઓના લગ્ન પ્રસંગે આર્થિક સહાય આપીને ખરા અર્થમાં કલ્યાણકારી બની રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ