અંજારમાં જુગારના અડ્ડા પર પોલીસનો દરોડો, નવ શખ્સ ઝડપાયા
કચ્છ, 08 જૂન (હિ.સ.) : અંજાર શહેરમાં ગેરકાયદેસર જુગારની પ્રવૃત્તિઓ સામે પોલીસે વધુ એક સફળ કાર્યવાહી હાથ ધરી છે. સવાસરનાકા વિસ્તારમાં આવેલી જમાદારવાળી ખુલ્લી શેરીમાં ધાણી પાસા વડે રૂપિયા હાર-જીતનો જુગાર રમાઈ રહ્યો હોવાની ચોક્કસ બાતમીના આધારે અંજાર પ
અંજારમાં ઝડપાયેલા નવ જુગારીઓ


કચ્છ, 08 જૂન (હિ.સ.) : અંજાર શહેરમાં ગેરકાયદેસર જુગારની પ્રવૃત્તિઓ સામે પોલીસે વધુ એક સફળ કાર્યવાહી હાથ ધરી છે. સવાસરનાકા વિસ્તારમાં આવેલી જમાદારવાળી ખુલ્લી શેરીમાં ધાણી પાસા વડે રૂપિયા હાર-જીતનો જુગાર રમાઈ રહ્યો હોવાની ચોક્કસ બાતમીના આધારે અંજાર પોલીસે દરોડો પાડી નવ વ્યક્તિઓને ઝડપી પાડ્યા હતા, જ્યારે જુગારનું આયોજન કરતો મુખ્ય આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.

સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા, પૂર્વ કચ્છના પોલીસ અધિક્ષક સાગર બાગમાર અને અંજાર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક એમ.પી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ અંજાર પોલીસ દ્વારા જુગાર અને અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે. તે જ અંતર્ગત પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એ. જાડેજાના માર્ગદર્શન હેઠળ ટીમે સ્થળ પર દરોડો પાડ્યો હતો.

પોલીસે સ્થળ પરથી પારશ મણીલાલ કોઢીયા (ઉ.વ. 35), અકરમ ઈબ્રાહીમશા શેખ (ઉ.વ. 29), જેસાભાઈ ઉર્ફે મહેશ રાઘાભાઈ રબારી (ઉ.વ. 38), શામજીભાઈ પ્રેમજીભાઈ દેવીપૂજક (ઉ.વ. 26), દિનેશ વીજુભાઈ દેવીપૂજક (ઉ.વ. 29), અલી અસગર આલીશા શેખ (ઉ.વ. 24), જમનશા મામદશા શેખ (ઉ.વ. 32), સૈયદ કાસમ આરબ (ઉ.વ. 35) અને સમીર આદમ મેમણ (ઉ.વ. 38)ને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા.

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે અનવર હુસેન સીદ્દી નામનો શખ્સ આ જુગારનું સંચાલન કરતો હતો અને બહારથી લોકોને બોલાવી જાહેરમાં જુગાર રમાડતો હતો. જોકે પોલીસની રેડ દરમિયાન તે સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. હાલ પોલીસ તેની શોધખોળ કરી રહી છે. દરોડા દરમિયાન પોલીસે આરોપીઓ પાસેથી રૂ. 45,700ની રોકડ રકમ તેમજ જુગાર રમવામાં ઉપયોગમાં લેવાતા બે ધાણી પાસા કબજે કર્યા હતા. કબજે કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત રૂ. 45,700 નોંધવામાં આવી છે. આ મામલે અંજાર પોલીસ સ્ટેશનમાં જુગારધારાની કલમ 12 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને તમામ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પોલીસે જણાવ્યું છે કે શહેરમાં જુગાર, પ્રોહિબિશન અને અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે આવનારા દિવસોમાં પણ સતત કડક કાર્યવાહી કરવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande