ગાંધીધામ પોલીસની મોટી સફળતા: પંજાબથી બે વોન્ટેડ ઠગ ઝડપાયા
કચ્છ, 08 જૂન (હિ.સ.) ગાંધીધામ પોલીસ દ્વારા રાજ્ય અને રાજ્ય બહાર નાસતા-ફરતા ગુનેગારો સામે હાથ ધરાયેલા ‘મિશન ફ્યુજિટિવ’ અભિયાન હેઠળ વધુ એક મહત્વપૂર્ણ સફળતા મળી છે. વિશ્વાસઘાત અને છેતરપિંડીના ગંભીર ગુનામાં છેલ્લા એક વર્ષથી ફરાર રહેલા બે આરોપીઓને પં
પંજાબ થી પકડાયેલા આરોપીઓ


કચ્છ, 08 જૂન (હિ.સ.) ગાંધીધામ પોલીસ દ્વારા રાજ્ય અને રાજ્ય બહાર નાસતા-ફરતા ગુનેગારો સામે હાથ ધરાયેલા ‘મિશન ફ્યુજિટિવ’ અભિયાન હેઠળ વધુ એક મહત્વપૂર્ણ સફળતા મળી છે. વિશ્વાસઘાત અને છેતરપિંડીના ગંભીર ગુનામાં છેલ્લા એક વર્ષથી ફરાર રહેલા બે આરોપીઓને પંજાબ રાજ્યમાંથી ઝડપી પાડીને ગાંધીધામ લાવવામાં આવ્યા છે. પોલીસની આ કાર્યવાહીએ આંતરરાજ્ય ગુનાખોરી સામે કડક સંદેશ આપ્યો છે.

ગાંધીધામ પોલીસ દ્વારાનાસતા ફરતા આરોપીઓને શોધવા માટે વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાનના ભાગરૂપે ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.વી. ગોજીયાના નેતૃત્વમાં ટીમે સફળ ઓપરેશન હાથ ધર્યું હતું.

તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વિશ્વાસઘાત અને છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલા આરોપી નરેન્દ્રસિંહ ઉર્ફે મોની ઉર્ફે કાલા ગુરનામસિંહ શિખ હાલમાં પંજાબના પટિયાલા જિલ્લા જેલમાં અન્ય ગુનામાં કેદ છે. ગાંધીધામ કોર્ટમાંથી ટ્રાન્સફર વોરંટ મેળવી પોલીસ ટીમે તેનો કબ્જો મેળવ્યો હતો. સાથે જ આ જ ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપી અમનપ્રીતસિંહ જોરાસિંહ જાટને પણ પંજાબમાંથી શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે બંને આરોપીઓ સામે માત્ર કચ્છ જ નહીં પરંતુ અન્ય રાજ્યોમાં પણ વિવિધ પ્રકારના ગુનાઓ નોંધાયેલા છે. ગાંધીધામમાં નોંધાયેલા ગુના ઉપરાંત તેલંગાણા રાજ્યમાં પણ છેતરપિંડી અને વિશ્વાસઘાત સંબંધિત કેસોમાં તેમની સંડોવણી સામે આવી છે.

પકડાયેલા આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ પણ ચોંકાવનારો છે. નરેન્દ્રસિંહ સામે પંજાબના વિવિધ પોલીસ મથકોમાં ચોરી, વિશ્વાસઘાત, છેતરપિંડી, બનાવટી દસ્તાવેજો તૈયાર કરવા, નશીલા પદાર્થોના કાયદા હેઠળના ગુનાઓ તેમજ અન્ય ગંભીર ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ અમનપ્રીતસિંહ સામે પણ ચોરી, ઘરફોડ ચોરી, છેતરપિંડી અને ગુનાહિત કાવતરાં સહિતના અનેક ગુનાઓ વિવિધ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

ગાંધીધામ પોલીસનું માનવું છે કે બંને આરોપીઓની વધુ પૂછપરછ દરમિયાન અન્ય ગુનાઓ અને સંભવિત સાગરિતો અંગે પણ મહત્વની માહિતી મળી શકે છે. પોલીસ હાલ બંને આરોપીઓની કડક પૂછપરછ કરી રહી છે અને સમગ્ર કૌભાંડના તાર જોડવાનો પ્રયાસ કરી રહી છે.

‘મિશન ફ્યુજિટિવ’ અંતર્ગત હાથ ધરાયેલી આ સફળ કાર્યવાહીને કારણે લાંબા સમયથી કાયદાની પકડથી દૂર રહેલા આરોપીઓ હવે કાયદાના શિકંજામાં આવ્યા છે. પોલીસ તંત્ર દ્વારા ફરાર આરોપીઓ સામે આવનારા દિવસોમાં પણ આવા જ સઘન અભિયાનો ચાલુ રાખવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande