કરોડોની ઠગાઈ કેસની છાયામાં સેલારીના સરપંચ ફરી સસ્પેન્ડ, જિલ્લા વિકાસ અધિકારીનો કડક નિર્ણય
કચ્છ, 08 જૂન (હિ.સ.) : કચ્છ જિલ્લાના રાપર તાલુકાના સેલારી ગામના સરપંચ મહેશ ધનજીભાઈ ચૌધરીને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ફરી એકવાર સરપંચપદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. લાંબા સમયથી ચાલી રહેલા કરોડોની મિલકત સાથે સંકળાયેલા ઠગાઈના કેસને ધ્યાનમાં રાખીને
સેલારી ગ્રામ પંચાયત


કચ્છ, 08 જૂન (હિ.સ.) : કચ્છ જિલ્લાના રાપર તાલુકાના સેલારી ગામના સરપંચ મહેશ ધનજીભાઈ ચૌધરીને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ફરી એકવાર સરપંચપદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. લાંબા સમયથી ચાલી રહેલા કરોડોની મિલકત સાથે સંકળાયેલા ઠગાઈના કેસને ધ્યાનમાં રાખીને લેવાયેલા આ નિર્ણયે સ્થાનિક રાજકીય અને સામાજિક વર્તુળોમાં ચર્ચા જગાવી છે.

માહિતી મુજબ મહેશ ચૌધરી સહિત અન્ય કેટલાક વ્યક્તિઓ સામે મહારાષ્ટ્ર રાજ્યના થાણે જિલ્લાના કલ્યાણ પોલીસ મથકે એપ્રિલ ૨૦૨૨ દરમિયાન ગંભીર પ્રકારની ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે ખોટા દસ્તાવેજો અને કથિત ગેરરીતિઓના આધારે આશરે રૂ. ૩.૪૭ કરોડની મિલકત હસ્તગત કરવાની કોશિશ કરવામાં આવી હતી. આ ફરિયાદના આધારે જૂન ૨૦૨૨માં પોલીસે મહેશ ચૌધરી સહિત ચાર આરોપીઓની અટકાયત કરી હતી.

આ ઘટનાના અનુસંધાને સેલારી ગામના એક રહેવાસી દ્વારા જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ ગુજરાત પંચાયત અધિનિયમની જોગવાઈઓ હેઠળ રજૂઆત કરવામાં આવી હતી કે ગંભીર ફોજદારી કેસમાં સંડોવાયેલા સરપંચને પદ પર યથાવત રાખવું યોગ્ય નથી. રજૂઆતને આધારે તત્કાલીન જિલ્લા વિકાસ અધિકારીએ ડિસેમ્બર ૨૦૨૨માં મહેશ ચૌધરીને સરપંચપદેથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો હતો.

જો કે, આ નિર્ણય સામે મહેશ ચૌધરીએ વિકાસ કમિશનર સમક્ષ રિવિઝન અરજી દાખલ કરી હતી. તેમણે દલીલ કરી હતી કે સસ્પેન્શનનો નિર્ણય લેતા પહેલાં તેમનો યોગ્ય પક્ષ સાંભળવામાં આવ્યો નહોતો. વિકાસ કમિશનરે આ મુદ્દાને ગંભીરતાથી લઈને અગાઉના સસ્પેન્શન આદેશ પર સ્થગિતી આપતાં જિલ્લા વિકાસ અધિકારીને સમગ્ર કેસ ફરીથી સાંભળીને નિયમસર નિર્ણય લેવા સૂચના આપી હતી.

ત્યારબાદ કેસની નવી સુનાવણી દરમિયાન મહેશ ચૌધરીએ દાવો કર્યો હતો કે તેમની સામે નોંધાયેલી ફરિયાદ પાછી ખેંચી લેવામાં આવી છે. આ દાવાના સમર્થનમાં તેમણે ફરિયાદી તથા કેટલાક સાક્ષીઓના સોગંદનામા પણ રજૂ કર્યા હતા. પરંતુ સંબંધિત મામલાની સુનાવણી કરતી મહારાષ્ટ્રની અદાલતે ફરિયાદી દ્વારા આપવામાં આવેલા સોગંદનામાને માન્ય ગણ્યું નહોતું. પરિણામે કેસ હજુ પણ અદાલતમાં વિચારાધીન સ્થિતિમાં છે.

આ તમામ પરિસ્થિતિઓ અને કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કચ્છના જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમે ફરી એકવાર મહેશ ચૌધરીને સરપંચપદેથી સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો છે. આદેશમાં નોંધવામાં આવ્યું છે કે ગંભીર ફોજદારી આરોપોનો સામનો કરી રહેલી વ્યક્તિને સરપંચ તરીકે ચાલુ રાખવાથી ગ્રામજનોમાં ખોટો સંદેશ જઈ શકે છે તેમજ પંચાયતી રાજ વ્યવસ્થાની વિશ્વસનીયતા અને લોકતાંત્રિક મૂલ્યો પર પણ વિપરીત અસર પડી શકે છે.

આ નિર્ણય સાથે સેલારી ગામનું સ્થાનિક રાજકારણ ફરી ચર્ચાના કેન્દ્રમાં આવ્યું છે. નોંધનીય બાબત એ છે કે તાજેતરમાં યોજાયેલી તાલુકા પંચાયતની ચૂંટણીમાં મહેશ ચૌધરીની પત્ની વિમળાબેન ચૌધરી સેલારી બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતર્યા હતા અને તેઓ વિજેતા પણ બન્યા હતા. એક તરફ રાજકીય ક્ષેત્રમાં પરિવારની સક્રિયતા યથાવત છે, ત્યારે બીજી તરફ સરપંચ સામે ચાલી રહેલા કાનૂની વિવાદને કારણે ગામના રાજકારણમાં નવી ચર્ચાઓ શરૂ થઈ છે.

હાલ સમગ્ર મામલો અદાલતમાં પેન્ડિંગ હોવાથી અંતિમ નિર્ણય કોર્ટના ચુકાદા બાદ જ સ્પષ્ટ થશે, પરંતુ જિલ્લા વિકાસ અધિકારીના તાજેતરના આદેશે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે જાહેર પદ પર રહેલા વ્યક્તિઓ સામે ગંભીર આરોપો હોય ત્યારે વહીવટી તંત્ર લોકહિત અને જાહેર વિશ્વાસને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા પ્રતિબદ્ધ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande