
પાટણ, 08 જૂન (હિ.સ.) પાટણ નગરપાલિકા દ્વારા 15મા નાણાં પંચની વર્ષ 2020-21 અને 2021-22ની ગ્રાન્ટ હેઠળ ₹124.97 લાખના ખર્ચે પીવાના પાણીની પાઇપલાઇન અને બોરવેલના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ યોજનાથી શહેરના કુલ 19 વિસ્તારોમાં પાણીની સુવિધા વધુ સુદ્રઢ બનશે.
પ્રોજેક્ટ અંતર્ગત શહેરના 17 વિસ્તારોમાં નવી પીવાના પાણીની પાઇપલાઇન નાખવામાં આવશે, જ્યારે પાણીની અછત ધરાવતા 2 વિસ્તારોમાં નવા બોરવેલ બનાવવામાં આવશે. આ કામગીરી શહેરમાં પીવાના પાણીની સમસ્યાના કાયમી ઉકેલ માટે આયોજનબદ્ધ રીતે હાથ ધરવામાં આવી છે, જેના કારણે અનેક રહેણાંક વિસ્તારોમાં શુદ્ધ પાણીનો પુરવઠો વધુ સક્ષમ બનશે.
ખાતમુહૂર્ત કાર્યક્રમ પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંધવ, જિલ્લા ભાજપ મહામંત્રી સંજયભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ હર્ષભાઈ પટેલ અને નગરપાલિકા પ્રમુખ ચંદ્રિકાબેન રાવળના હસ્તે યોજાયો હતો. આ પ્રસંગે ઉપપ્રમુખ ઉત્કર્ષ પટેલ, કારોબારી ચેરમેન નિલમભાઈ પટેલ, ડો. મનોજ ઠાકોર, મનીષાબેન પ્રજાપતિ સહિત નગરપાલિકાના પદાધિકારીઓ, નગરસેવકો અને સ્થાનિક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ