
સુરત, 08 જૂન (હિ.સ.) : રાજ્ય આરોગ્ય વિભાગ દ્રારા રાષ્ટ્રિય રક્તપિત નિર્મુલન કાર્યક્રમ અંતર્ગત સુરત સુરત જિલ્લા તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં ‘લેપ્રસી કેસ ડિટેક્ટશન અભિયાન’ની કામગીરી હાથ ધરાશે. આ વિશેષ જનજાગૃતિ અને તપાસ અભિયાન આગામી તા.08મી જૂનથી 30 જૂન-2026 દરમ્યાન આશા બહેનો અને ફીલ્ડ લેવલ પુરુષ વોલેન્ટીયર્સની સંયુક્ત ટીમો દ્વારા પ્રત્યેક ઘરની રૂબરૂ મુલાકાત લઈને બે વર્ષથી વધુ ઉંમરના તમામ વ્યક્તિઓની શારીરિક તપાસ કરવામાં આવશે. આ કામગીરી માટે સુરત જિલ્લામાં કુલ 1522 ટીમ, સુરત એસ.એમ.સી.માં 482 ટીમ તથા તાપી જિલ્લામાં કુલ 921 ટીમ દ્વારા ઘરના બે વર્ષથી વધુ ઉંમરના તમામ વ્યક્તિઓની તપાસ કરવામાં આવશે. આ કામગીરી દરમ્યાન ટીમ દ્વારા પ્રત્યેક ઘરની મુલાકાત લઇ રક્તપિત અંગે લોકોને સમજ આપી ઘરના તમામ સભ્યોની રક્તપિત અંગે શારીરીક તપાસણી કરી રક્તપિતના શંકાસ્પદ દર્દીઓને શોધી, તબીબી અધિકારી દ્વારા નિદાન કરાવી તરતજ સારવાર શરૂ કરવામાં આવશે.
સુરત જિલ્લામાં રક્તપિત રોગનું પ્રમાણ દર મે-2026ના અંતે 10 હજારની વસ્તી એ 0.58 અને તાપી જિલ્લામાં રક્તપિત રોગનો પ્રમાણ દર 10 હજારની વસ્તીએ 2.03 નોંધાયુ છે. જ્યારે ગુજરાત રાજ્યનો રક્તપિત રોગનો પ્રમાણ દર ૧૦ હજારની વસ્તીએ 0.42 છે. માર્ચ-2026 અંતિત 5 હાઈએન્ડેમિક જિલ્લાઓ (નવસારી, પંચમહાલ, વડોદરા, સુરત અને મહીસાગર) માં રોગનું પ્રમાણ દર 1 કરતા નીચે લાવી એલિમિનેશનનું ધ્યેય પ્રાપ્ત કર્યું છે. હજુ પણ 7 હાઈએન્ડેમીક જિલ્લાઓ (તાપી, ડાંગ, ભરૂચ, દાહોદ, વલસાડ, છોટાઉદેપુર અને નર્મદા) માં રક્તપિત રોગનું પ્રમાણદર 1 કરતા વધુ છે.
ઘણાં સમય સુધી રક્તપિતને અસાધ્ય રોગ માનવામાં આવતો હતો. પરંતુ હવે તેનું નિદાન અને સારવાર સરળ બની છે. કેટલાક લોકો માને છે કે, આ રોગ સ્પર્શ કરવાથી ફેલાય છે. જોકે આ વાત તદ્દન ખોટી છે. રક્તપિત સ્પર્શ કરવાથી ફેલાતો નથી. સંક્રામક રોગ હોવા છતાં પણ સ્પર્શ કરવાથી, હાથ મિલાવવાથી, સાથે ઉઠવા-બેસવાથી ફેલાતો નથી. રક્તપિત્ત વારસાગત નથી કે પૂર્વજન્મના પાપ કે શાપ નું ફળ નથી. પરંતુ આ રોગ ઉધરસ અને છીંક દ્વારા ફેલાય છે. રાજય સરકારના આરોગ્ય વિભાગ દ્રારા વર્ષોથી રક્તપિતને નાથવા માટે અનેકવિધ પગલા હાથ ધરવામાં આવ્યા છે. કોરોનાકાળ બાદ વર્ષ 2023-24થી આજદિન સુધી રક્તપિતના વણશોધાયેલ દર્દીઓ શોધવા એકટીવ કેસ ડીટેકશન એન્ડ રેગ્યુલર સર્વે, સ્પર્શ લેપ્રસી અવેરનેશ કેમ્પેઈન, હાર્ડ ટુ રીચ એરીયા કેમ્પેઈન જેવી ખાસ ઝુંબેશ હાથ ધરીને સઘન કામગીરી આરોગ્ય વિભાગ દ્રારા કરવામાં આવી. જેમાં જનરલ હેલ્થ સ્ટાફ અને આશાની ટીમો દ્રારા ઘરે-ઘરે તપાસ કરી રક્તપિત નવા દર્દી શોઘીને ત્વરીત બહુ ઔષઘીય સારવાર હેઠળ મુકી તેઓને રોગ મુક્ત કર્યા છે.
સુરત અને તાપી જિલ્લામા છેલ્લા આઠ વર્ષમા અનુક્રમે 43 અને 13 જેટલી રીકન્સ્ટ્રકટીવ સર્જરી કરી દર્દીઓની વિકૃતિદૂર કરી છે. સુરત અને તાપી જિલ્લામા વર્ષ 2016-17 થી મે-2026 (અંતીત) સુધીમા અનુક્રમે રક્તપિતના કારણે પગમાં બધીરતા ધરાવતાં કુલ-8792 અને 4013 રક્તપિતગ્રસ્તોને માઈક્રો સેલ્યુલર રબર શુઝ (એમ.સી.આર.) આપવામાં આવ્યા છે. જેના કારણે પગમાં બધીરતા ધરાવતાં રક્તપિતગ્રસ્તોને પગમાં ન રૂઝાય તેવા ચાંદા (અલ્સર) થી બચાવી શકાય છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે