ગુજરાતની વિવિધ દુર્ઘટનાઓમાં મૃત્યુ પામેલા 19 લોકોના પરિવારોને મોરારિબાપુ દ્વારા ₹2.85 લાખની સંવેદના સહાય
ભાવનગર, 08 જૂન (હિ.સ.) ગુજરાતના વિવિધ વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોમાં સર્જાયેલી દુર્ઘટનાઓમાં 19 વ્યક્તિઓના દુઃખદ અવસાનના પ્રસંગે પ્રખ્યાત કથાકાર અને સંત પૂજ્ય મોરારિબાપુએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. સાથે જ મૃતકોના પરિવારજનોને આર્થિક સહાયરૂપે કુ
મોરારી બાપુ નો ફાઈલ ફોટો


ભાવનગર, 08 જૂન (હિ.સ.) ગુજરાતના વિવિધ વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોમાં સર્જાયેલી દુર્ઘટનાઓમાં 19 વ્યક્તિઓના દુઃખદ અવસાનના પ્રસંગે પ્રખ્યાત કથાકાર અને સંત પૂજ્ય મોરારિબાપુએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. સાથે જ મૃતકોના પરિવારજનોને આર્થિક સહાયરૂપે કુલ રૂપિયા 2.85 લાખની સંવેદના સહાય પણ અર્પણ કરવામાં આવી છે.

પૂજ્ય મોરારિબાપુ દ્વારા સંચાલિત શ્રી ચિત્રકૂટધામ તલગાજરડા ટ્રસ્ટ વર્ષોથી માનવતા અને કરુણાના મૂલ્યોને જીવંત રાખી વિવિધ આપત્તિઓ, અકસ્માતો અને દુર્ઘટનાઓમાં પીડિત પરિવારોને સહાય પહોંચાડવાનું કાર્ય કરે છે. પ્રદેશ, દેશ કે વિદેશમાં ક્યાંય પણ દુઃખદ ઘટના બને ત્યારે બાપુ તરફથી સંવેદના વ્યક્ત કરવામાં આવે છે અને જરૂરિયાતમંદોને સહાય પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવે છે.

તાજેતરમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં બનેલી દુર્ઘટનાઓમાં અનેક પરિવારો પર આભ તૂટી પડ્યું છે. મહુવા તાલુકાના છાપરી ગામમાં દીપડાના હુમલામાં એક બાળકનું મૃત્યુ થયું હતું. મોરબી-હળવદ માર્ગ પર ચરાડવા ગામ નજીક થયેલા માર્ગ અકસ્માતમાં પાંચ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો હતો. ગોંડલ તાલુકાના શેમળા ગામે ઓરિયા તળાવમાં ડૂબી જતાં ત્રણ બાળકોના મોત થયા હતા. બનાસકાંઠા જિલ્લાના અંબાજી નજીક પાનસા રીંછડી ગામે તળાવમાં ડૂબી જતાં વધુ ત્રણ બાળકોના મૃત્યુ નિપજ્યા હતા. ઉપરાંત સિદ્ધપુર દેથલી ચોકડી પાસે વાહન અડફેટે એક શ્રમિકનું મોત થયું હતું, જ્યારે સુરતના ખાંડ બજાર વિસ્તારમાં આવેલા કારખાનામાં બનેલી દુર્ઘટનામાં ચાર શ્રમિકોના જીવ ગયા હતા. ભાવનગરમાં રામદરબારના કાર્યક્રમથી ઘરે પરત ફરી રહેલા બે વ્યક્તિઓ પણ અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા.

આ તમામ 19 મૃતકોના વારસદારોને પ્રતિ પરિવાર રૂપિયા 15,000 લેખે કુલ રૂપિયા 2,85,000ની સંવેદના સહાય અર્પણ કરવામાં આવી રહી છે. મોરારિબાપુની આ માનવતાભરી પહેલ દુઃખની ઘડીમાં પીડિત પરિવારોને સાંત્વના અને સહારાનો સંદેશ આપે છે.

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande