
નવી દિલ્હી, 08 જૂન (હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની આગેવાની હેઠળની રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (રાજગ)ની સરકારમાં છેલ્લા 12 વર્ષમાં થયેલા વિકાસ કાર્યોનો ઉલ્લેખ કરતા કહ્યું કે, આ 12 વર્ષમાં ભારતે અનેક પરિવર્તનો જોયા છે અને આ બદલાવોના કેન્દ્રમાં ગરીબ, વંચિત તથા અંતિમ હરોળમાં ઉભેલા વ્યક્તિનું કલ્યાણ રહ્યું છે. અંત્યોદયની ભાવનાથી પ્રેરિત થઈને સરકારે એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કર્યો કે, વિકાસનો લાભ એવા લોકો સુધી પહોંચે, જેઓ દાયકાઓ સુધી તેનાથી વંચિત રહ્યા.
પ્રધાનમંત્રીએ સોમવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શ્રેણીબદ્ધ પોસ્ટમાં જણાવ્યું કે, જનધન ખાતાઓ, પ્રત્યક્ષ લાભ હસ્તાંતરણ (ડીબીટી), સ્વચ્છ ભારત મિશન, પ્રધાનમંત્રી આવાસ યોજના, જલ જીવન મિશન અને આયુષ્માન ભારત જેવી યોજનાઓનો ઉદ્દેશ્ય લોકોને સન્માનજનક જીવન અને બહેતર અવસર ઉપલબ્ધ કરાવવાનો રહ્યો છે.
તેમણે કહ્યું કે, ગરીબ કલ્યાણની દિશામાં ટેકનોલોજીએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. ડીબીટી અને ડિજિટલ પ્લેટફોર્મ્સ દ્વારા સરકારી સહાય સીધી અને પારદર્શક રીતે લાભાર્થીઓ સુધી પહોંચી રહી છે. આનાથી લીકેજમાં ઘટાડો થયો છે, કાર્યક્ષમતા વધી છે અને શાસન વ્યવસ્થામાં લોકોનો વિશ્વાસ મજબૂત થયો છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, ગરીબ કલ્યાણની આ યાત્રા હવે માનવ સશક્તિકરણના એક વ્યાપક અભિયાનમાં બદલાઈ ગઈ છે, જે વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાની દિશામાં આગળ વધી રહી છે. સરકારનો સતત પ્રયાસ રહ્યો છે કે, વિકાસની મુખ્યધારાથી લાંબા સમય સુધી દૂર રહેલા લોકોને પણ સમાન અવસર અને સુવિધાઓ ઉપલબ્ધ થાય.
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, છેલ્લા 12 વર્ષમાં લાગુ કરવામાં આવેલી વિવિધ જનકલ્યાણકારી યોજનાઓએ કરોડો લોકોના જીવનમાં સકારાત્મક બદલાવ લાવવાનું કામ કર્યું છે અને આ જ પ્રયાસો વિકસિત ભારતના નિર્માણની મજબૂત નીવ બની રહ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / વીરેન્દ્ર સિંહ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ