
પોરબંદર, 08 જૂન (હિ.સ.) : પોરબંદરની ખાસ જેલમાં એક કેદીએ પોતાને ઈજા પહોંચાડયાનો બનાવ સામે આવ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ મહેશભાઈ ઉર્ફે ભદો રામાભાઈ બથવાર (ઉ.વ. 26), રહે ફટાણા ગામ, નવાપરા વિસ્તાર, હાલ ખાસ જેલ પોરબંદરની યાર્ડ નં. 1ની બેરેક નં. 4માં બંધ હતા.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે કેદીને છેલ્લા દસેક વર્ષથી વિવિધ પ્રકારના નશાની આદત હતી અને તે નિયમિત નશાકારક પદાર્થોનું સેવન કરતો હતો. છેલ્લા બે દિવસથી જેલમાં હોવાના કારણે તેને કોઈ પણ પ્રકારનો નશો મળ્યો નહોતો, જેના કારણે તેની માનસિક સ્થિતિ અસ્વસ્થ બની હોવાનું જણાવાયું છે. આ દરમિયાન કેદીએ બેરેક નં. 4માં રહેલા નળના ચાપડાના પતરાનો ઉપયોગ કરી પોતાના માથાના ભાગે ઈજા પહોંચાડી હતી. ઘટનામાં તેના માથામાં સાત જેટલા ટાંકા આવે તેવી ગંભીર ઈજા તેમજ ગળાના ભાગે સામાન્ય ઈજા થઈ હોવાનું નોંધાયું છે. બનાવ બાદ જેલ તંત્ર દ્વારા તાત્કાલિક સારવારની વ્યવસ્થા કરવામાં આવી હતી. સમગ્ર ઘટનાની નોંધ લઈ સંબંધિત અધિકારીઓ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya