જામનગરમાં મોતના કૂવાની જેમ ચાલતી કારમાંથી ચાલક સહિત ત્રણ ડમડમ હાલતમાં પકડાયા
જામનગર, 08 જૂન (હિ.સ.) :જામનગર શહેરના વાઘેરવાડા વિસ્તારમાં જાહેર માર્ગ પર નશાની હાલતમાં કાર હંકારી લોકોના જીવને જોખમમાં મૂકનાર એક યુવક સહિત કારમાં સવાર ત્રણેય શખ્સો સામે પોલીસે કાર્યવાહી કરી છે. કાર ચાલક ઉપરાંત તેની સાથે બેઠેલા અન્ય બે યુવકો પણ દાર
ધરપકડ


જામનગર, 08 જૂન (હિ.સ.) :જામનગર શહેરના વાઘેરવાડા વિસ્તારમાં જાહેર માર્ગ પર નશાની હાલતમાં કાર હંકારી લોકોના જીવને જોખમમાં મૂકનાર એક યુવક સહિત કારમાં સવાર ત્રણેય શખ્સો સામે પોલીસે કાર્યવાહી કરી છે. કાર ચાલક ઉપરાંત તેની સાથે બેઠેલા અન્ય બે યુવકો પણ દારૂ પીધેલી હાલતમાં મળી આવતા ત્રણેય સામે દારૂબંધી ભંગનો ગુનો નોંધવામાં આવ્યો છે, જ્યારે ચાલક સામે નશામાં વાહન ચલાવવા બદલ અલગથી ગુનો નોંધાયો છે.

સીટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે સાંજે આશરે 6:55 વાગ્યે વાઘેરવાડા વિસ્તારમાં આશાપુરા ખડકી બહાર બચુનગર પાસે એક કાર સર્પાકારે અને બેદરકારીપૂર્વક ચલાવવામાં આવતી જોવા મળી હતી. પોલીસે કારને રોકી તપાસ કરતાં ડ્રાઇવર સહિત ત્રણ વ્યક્તિઓ મળી આવ્યા હતા.

કાર ચલાવનાર હર્ષ પ્રકાશભાઈ ટાંક (ઉ.વ. 23, રહે. લાલવાડી અટલ આવાસ, જામનગર)ના મોઢામાંથી દારૂની તીવ્ર વાસ આવતી હતી. તેની આંખો લાલ હતી તેમજ શરીરનું સંતુલન જાળવી શકતો ન હોવાથી લથડતો હોવાનું જણાયું હતું. પૂછપરછ દરમિયાન તે દારૂ પીવા અંગેનો કોઈ પાસ કે પરમિટ રજૂ કરી શક્યો નહોતો.

કારમાં તેની સાથે બેઠેલા જય દીપકભાઈ ગોહિલ અને પુનીત મનસુખલાલ ભીંડી પણ દારૂના નશામાં હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસે ત્રણેય સામે દારૂબંધી ભંગ અંગે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આરોપીની જી.જે.-38-ટી.એ.-9199 નંબરની સુઝુકી એટીંગા મોડેલની આશરે રૂ. 6 લાખ કિંમતની કાર કબજે કરી હતી.

સમગ્ર મામલે હર્ષ ટાંક સામે મોટર વાહન અધિનિયમની કલમ 185 હેઠળ નશામાં વાહન ચલાવવાનો તેમજ પ્રોહિબિશન એક્ટની કલમ 66(1)(બી) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. જ્યારે તેની સાથે કારમાં રહેલા અન્ય બે યુવકો સામે પણ દારૂૂબંધી ભંગ અંગે અલગ કાર્યવાહી કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande