
વાપી, 08 જૂન (હિ.સ.) વાપીમાં સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ દ્વારા સમાજ ભવન ખાતે આયોજિત રક્તદાન શિબિરે નોંધપાત્ર સફળતા મેળવી હતી. શિબિરમાં 400 બોટલ રક્ત એકત્ર કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો હતો, પરંતુ વાપીના જાગૃત નાગરિકો અને સમાજના સભ્યોના ઉત્સાહભેર સહયોગના કારણે માત્ર 4 કલાકમાં જ 416 બોટલ રક્ત એકત્ર થતાં શિબિરને નિર્ધારિત સમય પહેલાં પૂર્ણ કરવાની ફરજ પડી હતી.
સવારે 8 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી યોજાનારી આ રક્તદાન શિબિરનો મુખ્ય હેતુ જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર રક્ત ઉપલબ્ધ કરાવવાનો અને રક્તની અછત દૂર કરવાનો હતો. સમાજ દ્વારા દર વર્ષે આ પ્રકારની રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે, જેના કારણે અનેક દર્દીઓને જીવનદાન મળતું રહે છે.
કાર્યક્રમમાં સમાજના મેનેજિંગ ટ્રસ્ટી નાનુભાઈ બાબરોટીયા તેમજ અન્ય ટ્રસ્ટીઓએ હાજરી આપી હતી. ઉપરાંત વીઆઈએના પ્રમુખ સતીષ પટેલ, નોટિફાઈડ એરિયાના મગન સાવલિયા, વાપી શહેર ભાજપ પ્રમુખ મનીષ દેસાઈ, કમલેશ પટેલ તથા સમાજના અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સમાજના આગેવાનોએ રક્તદાતાઓનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે વાપીના લોકોનો સેવાભાવ અને સામાજિક જવાબદારી પ્રત્યેની જાગૃતિને કારણે આ શિબિર ઐતિહાસિક સફળતા પ્રાપ્ત કરી શકી છે. માત્ર 4 કલાકમાં 416 બોટલ રક્ત એકત્ર થવું સમાજ માટે ગૌરવની બાબત હોવાનું તેમણે જણાવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha