
અમરેલી,, 08 જૂન (હિ.સ.)
સાવરકુંડલા-લીલિયા વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના માર્ગદર્શન અને સતત પ્રયાસોના પરિણામે સાવરકુંડલા શહેરના વિકાસ માટે મહત્વપૂર્ણ ગણાતા અંદાજે ₹25 કરોડના ખર્ચે નિર્માણ પામી રહેલા STP (સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ) પ્રોજેક્ટની કામગીરી ઝડપથી આગળ વધી રહી છે. ગુજરાત શહેરી વિકાસ તથા ગૃહ નિર્માણ વિભાગ હસ્તક અમરેલી રોડ પર આ પ્રોજેક્ટનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે, જે પૂર્ણ થયા બાદ શહેર માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે.
પ્રોજેક્ટની પ્રગતિ અને કામગીરીનું નિરીક્ષણ કરવા નગરપાલિકા પ્રમુખ પ્રતિનિધી અતુલભાઈ કાપડિયા, કારોબારી ચેરમેન જિગ્નેશભાઈ ટાંક, દંડક અરવિંદભાઈ મેવાડા, પક્ષના નેતા દિનેશભાઈ રાઠોડ તેમજ નગરપાલિકાની ટીમ દ્વારા STP પ્લાન્ટની સાઇટ વિઝિટ કરવામાં આવી હતી. આ દરમિયાન અધિકારીઓ પાસેથી પ્લાન્ટની કાર્યપદ્ધતિ, ટેક્નિકલ સુવિધાઓ અને ભવિષ્યમાં શહેરને થનારા લાભો અંગે વિગતવાર માહિતી મેળવવામાં આવી હતી.
આ STP પ્લાન્ટ શહેરમાંથી નીકળતા ગંદા અને દૂષિત પાણીનું આધુનિક ટેક્નોલોજી દ્વારા વૈજ્ઞાનિક રીતે શુદ્ધિકરણ કરશે. શુદ્ધ થયેલા પાણીનો પુનઃઉપયોગ વિવિધ જાહેર અને પર્યાવરણલક્ષી કાર્યોમાં કરી શકાશે, જેના કારણે જળ સંરક્ષણને પણ પ્રોત્સાહન મળશે. સાથે જ શહેરમાં સ્વચ્છતા જાળવવામાં અને પ્રદૂષણ ઘટાડવામાં આ પ્રોજેક્ટ મહત્વપૂર્ણ સાબિત થશે.
ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના પ્રયાસોથી સાકાર થઈ રહેલો આ પ્રોજેક્ટ સાવરકુંડલાના શહેરી વિકાસમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન બની રહેશે. પર્યાવરણમૈત્રી અભિગમ સાથે તૈયાર થઈ રહેલો STP પ્લાન્ટ શહેરને સ્વચ્છ, હરિયાળું અને ટકાઉ વિકાસ તરફ આગળ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવશે. સ્થાનિક આગેવાનો અને નગરપાલિકા ટીમે પણ પ્રોજેક્ટ સમયમર્યાદામાં પૂર્ણ થાય તે માટે જરૂરી માર્ગદર્શન અને દેખરેખ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai