
પોરબંદર, 08 જૂન (હિ.સ.) : પોરબંદર જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા ધોરણ 10 અને 12ની જૂન માસમાં યોજાનારી પૂરક પરીક્ષાને ધ્યાનમાં રાખી વિદ્યાર્થીઓ માટે મનોવૈજ્ઞાનિક માર્ગદર્શન કેન્દ્ર અને હેલ્પલાઈન સેવા શરૂ કરવામાં આવી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા લેવાતી આ પરીક્ષાઓ દરમિયાન વિદ્યાર્થીઓમાં ઉદભવતા ભય, ચિંતા, તણાવ, નિરાશા અને નકારાત્મક વિચારોને દૂર કરવા માટે આ મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી છે.
જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના જણાવ્યા મુજબ, અનેક વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષાને લઈને માનસિક દબાણ અનુભવતા હોય છે. આવી સ્થિતિમાં તેઓ પરીક્ષાનો આત્મવિશ્વાસ ગુમાવી બેસે છે. વિદ્યાર્થીઓને પરીક્ષાના ડરથી મુક્ત કરી તેમનામાં હકારાત્મક વિચારસરણી અને આત્મવિશ્વાસ વિકસે તે હેતુસર મનોવિજ્ઞાનના તજજ્ઞ દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે.
આ હેલ્પલાઇન સંપૂર્ણપણે વિનામૂલ્યે કાર્યરત રહેશે. વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ જરૂરિયાત મુજબ સીધો સંપર્ક કરી માર્ગદર્શન મેળવી શકશે. ઉપરાંત, શાળાઓમાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા માટે વિશેષ વ્યાખ્યાનોનું આયોજન પણ કરી શકાય છે.આ કામગીરી માટે મનોવિજ્ઞાન ક્ષેત્રના તજજ્ઞ ડૉ. જીજ્ઞેશભાઈ વી. પ્રશ્નાણી (M.A., M.Ed., Ph.D. - Psychology) નિમણૂક કરવામાં આવી છે. તેઓ હાલમાં મોકર સ્થિત શ્રી એમ.એમ.વી. હાઈસ્કૂલમાં આચાર્ય તરીકે ફરજ બજાવે છે. વિદ્યાર્થીઓ મનોવૈજ્ઞાનિક માર્ગદર્શન મેળવવા માટે મો. 98243 64362 પર સંપર્ક કરી શકે છે.જિલ્લા શિક્ષણ તંત્ર દ્વારા શરૂ કરાયેલી આ પહેલનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને પરીક્ષાના ભયમાંથી બહાર લાવી આત્મવિશ્વાસપૂર્વક પૂરક પરીક્ષા આપી સફળતા પ્રાપ્ત કરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. આ માટે વિશેષ માર્ગદર્શન ટીમની રચના કરવામાં આવી છે, જે વિદ્યાર્થીઓને માનસિક રીતે મજબૂત બનાવી તેમના ભવિષ્યને નવી દિશા આપશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya