
જૂનાગઢ,8 જૂન (હિ.સ.) જ્યારે કુદરત કપરું સ્વરૂપ ધારણ કરે, નદીઓમાં ઘોડાપૂર આવે, ગામડાં પાણીમાં ઘેરાઈ જાય અને લોકો આશ્રય માટે તરસે — ત્યારે કોઈ સરકારી ફરજ નહીં, કોઈ પ્રસિદ્ધિની આશા નહીં, માત્ર માનવતાનો અવાજ સાંભળીને મદદ માટે દોડી આવનારા કેટલાક અજાણ્યા ચહેરા છે.જૂનાગઢ જિલ્લામાં આવા જ 300 થી વધુ સ્થાનિક તરવૈયાઓ વર્ષોથી આપત્તિના સમયમાં “જળના જાંબાઝ” બનીને લોકો માટે જીવદાતા સાબિત થયા છે.
જૂનાગઢ જિલ્લો પ્રાકૃતિક રીતે નદીઓ, ડેમો અને પર્વતીય વિસ્તારો ધરાવતો હોવાથી ભારે વરસાદ અને અતિવૃષ્ટિ દરમિયાન પાણી ભરાવા, પૂર જેવી પરિસ્થિતિઓ અને નદી-ચેકડેમમાં ફસાયેલા લોકોને બચાવવાની ઘટનાઓ સર્જાતી રહે છે. આવી આપત્તિમાં સરકારી તંત્ર સાથે ખભેખભા મિલાવીને ૩૦૦થી વધુ સ્થાનિક અનુભવી તરવૈયાઓ જીવ બચાવવાના કાર્યમાં જોડાય છે.
આ તરવૈયાઓ માત્ર તરવાની કળામાં નિષ્ણાત નથી, પરંતુ પાણીના પ્રવાહની દિશા સમજવી, ડૂબતા વ્યક્તિને સલામત રીતે બહાર લાવવી, જોખમી પરિસ્થિતિમાં પોતાનો જીવ જોખમમાં મૂકી બચાવ કામગીરી કરવી જેવી કુશળતા ધરાવે છે. ઘણીવાર તેઓ ડેમ, નદી, તળાવ અને પાણી ભરાયેલા વિસ્તારોમાં પ્રથમ પ્રતિસાદ આપનાર તરીકે પહોંચે છે.
*“મુસીબતમાં જ સાચો સાથી ઓળખાય”*
જૂનાગઢના સ્થાનિક તરવૈયાઓ આ કહેવતને સાકાર કરતા નજરે પડે છે. જ્યારે સામાન્ય માણસ માટે પાણીનો પ્રવાહ ભયજનક બને છે, ત્યારે આ જળવીરો માટે એ સેવા કરવાનો અવસર બની જાય છે.
ઘણીવાર રાત્રીના અંધકારમાં, ધોધમાર વરસાદ વચ્ચે કે તોફાની પ્રવાહોમાં પણ તેઓ બચાવ કામગીરીમાં ઉતરે છે. ક્યાંક વૃદ્ધોને સલામત સ્થળે પહોંચાડવા, ક્યાંક બાળકોને બચાવવા, તો ક્યાંક પાણીમાં ફસાયેલા પશુઓ સુધીને સુરક્ષિત બહાર કાઢવા જેવી કામગીરી તેઓ નિસ્વાર્થભાવથી બજાવે છે.
સ્થાનિક તરવૈયાઓ આપત્તિ વ્યવસ્થાપન વિભાગ, સ્થાનિક પ્રશાસન, પોલીસ, ફાયર બ્રિગેડ અને બચાવ દળ માટે એક મજબૂત સહયોગી તરીકે કાર્ય કરે છે. કારણ કે તેઓને સ્થાનિક ભૂગોળ, પાણીના પ્રવાહ, નદીના ઊંડાણ અને જોખમી વિસ્તારો અંગે પ્રાયોગિક અનુભવ હોય છે.
જુનાગઢ જિલ્લા આપતી વ્યવસ્થાપન તંત્ર તેમજ સ્થાનિક તંત્ર પ્રિમોન્સૂન કામગીરી અંતર્ગત તરવૈયાઓ ની યાદી તૈયાર કરે જુનાગઢ જિલ્લામાં 300 તરવૈયાઓ વિકટ પરિસ્થિતિમાં સેવા આપે છે.
કેટલાક વિસ્તારોમાં તો ગ્રામ્યસ્તરે તરવૈયાઓની અનૌપચારિક ટીમો કાર્યરત છે, જે વરસાદી મોસમ દરમિયાન સતત સતર્ક રહે છે. કોઈ દુર્ઘટના કે પૂરની માહિતી મળતાં જ તેઓ વિલંબ કર્યા વગર સ્થળે દોડી પહોંચે છે.
આ સેવાભાવી તરવૈયાઓ માટે લોકોની જિંદગી બચાવવી એ જ સૌથી મોટો પુરસ્કાર છે. ઘણા એવા જળવીરો છે, જેમણે વર્ષો સુધી અનેક લોકોને બચાવ્યા હોવા છતાં ક્યારેય પોતાની સેવાઓનો પ્રચાર કર્યો નથી.
આ જળવીરો ખરા અર્થમાં સમાજના એવા અજાણ્યા નાયક છે, જેઓ વિપત્તિના વાદળોમાં આશાનો દીવો પ્રગટાવે છે.
આ સ્થાનિક તરવૈયાઓની કામગીરીને વધુ સુવ્યવસ્થિત બનાવવા માટે આપત્તિ વ્યવસ્થાપન સંબંધિત વિશેષ તાલીમ, જરૂરી સુરક્ષા સાધનો, લાઈફ જેકેટ, રેસ્ક્યુ કિટ અને સમયાંતરે સન્માન કાર્યક્રમો યોજવા જરૂરી બની રહે છે. જેથી આ માનવતાભર્યા કાર્યને વધુ મજબૂતી મળી શકે.
આપત્તિ આવે ત્યારે સામાન્ય માણસ પોતાનો બચાવ વિચારે, પરંતુ કેટલાક એવા પણ હોય છે જે બીજાનો જીવ બચાવવા પોતાનો જીવ જોખમમાં મૂકે. જૂનાગઢના *300 થી વધુ સ્થાનિક તરવૈયાઓ એવા જ નિઃસ્વાર્થ *“જળના જાંબાઝ”* છે — જેઓ અતિવૃષ્ટિ અને આપત્તિના સમયમાં લોકો માટે આશા, હિંમત અને જીવનનો આધાર બની રહે છે.
પ્રલયના પાણીમાં પણ આશાનો દીપ : અનેક જિંદગીઓને આપ્યું નવજીવન”
અતિવૃષ્ટિ, પૂર, ડેમમાં ડૂબવાની ઘટનાઓ કે પાણીમાં ફસાયેલા લોકોના જીવ બચાવવાની વેળા— આવી કટોકટીની ક્ષણોમાં કેટલાક ચહેરાઓ સમાજ માટે આશાનું પ્રતિક બની ઊભા રહે છે. એવા જ એક સેવાભાવી અને નિડર કર્મયોગી છે કમલેશભાઈ પુરોહિત,* જેમણે છેલ્લા બે દાયકા કરતાં પણ વધારે સમયથી જીવન અને મૃત્યુ વચ્ચે સંઘર્ષ કરતા અનેક લોકો માટે જીવદાતા બની સેવા આપી છે.
વર્ષ ૨૦૦૩થી જૂનાગઢ ફાયર વિભાગ સાથે જોડાયેલા કમલેશભાઈ પુરોહિત હાલ સ્ટ્રીટલાઇટ શાખામાં ફરજ બજાવી રહ્યા છે. પરંતુ તેમની ઓળખ માત્ર એક કર્મચારી તરીકે સીમિત નથી; તેઓ સેવાભાવ, સંવેદના અને સાહસના જીવંત ઉદાહરણ તરીકે ઓળખાય છે. ખાસ કરીને અતિવૃષ્ટિ અને પૂર જેવી આપત્તિની પરિસ્થિતિમાં ઘેડ વિસ્તાર સહિત અનેક સ્થળોએ સ્થાનિક તરવૈયાઓ સાથે સંકલન કરી તેમણે લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવાની અને બચાવ કામગીરીમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.
કમલેશભાઈ જણાવે છે કે આજની સરખામણીએ બે દાયકા પહેલાં બચાવ સાધનો અને માનવબળની મર્યાદાઓ હોવા છતાં જીવ બચાવવાની ફરજમાં ક્યારેય પાછળ પગલા ભર્યા નહોતા. “સાધનો ઓછા હતા, પણ લોકો સુધી પહોંચવાની લાગણી અને ફરજ પ્રત્યેની પ્રતિબદ્ધતા મોટી હતી,” એમ તેઓ ભાવપૂર્વક જણાવે છે.
ખાસ કરીને વિલિંગ્ડન ડેમ વિસ્તારમાં તેમની કામગીરી અત્યંત પડકારજનક રહી છે. વર્ષો દરમિયાન અહીંથી અંદાજે *૧૦૦૦* થી વધુ મૃતદેહોને બહાર કાઢવાની કામગીરી તેમણે નિભાવી છે. ડેમ વિસ્તારમાં મગરોની હાજરી અને ઊંડા પાણી જેવી જોખમી પરિસ્થિતિ વચ્ચે પણ કમલેશભાઈ અને તેમની ટીમે માનવસેવાને પ્રાથમિકતા આપી છે. તેઓ નમ્રતાથી કહે છે, “અમારું શું થશે તેનો વિચાર કર્યા વગર, મુશ્કેલીમાં મુકાયેલા લોકો સુધી પહોંચવાનું જ અમારું ધ્યેય રહ્યું છે.”
વિલિંગ્ડન ડેમ વિસ્તારમાં વધી રહેલી દુર્ઘટનાઓ અંગે ચિંતા વ્યક્ત કરતાં કમલેશભાઈ ખાસ કરીને યુવાધનને સાવચેત રહેવાની અપીલ કરે છે. તેઓ જણાવે છે કે વિસ્તાર વિશે પૂરતી જાણકારી ન હોય અથવા તરતાં ન આવડતું હોય તો ડેમમાં ન્હાવાનું ટાળવું જોઈએ. ઊંડું પાણી અને જોખમી પરિસ્થિતિઓ ઘણીવાર પળવારમાં ગંભીર અકસ્માત સર્જી શકે છે.
તેઓ ભાવુકતાથી કહે છે કે ડૂબતી જિંદગી સામેનો સંઘર્ષ માત્ર બચાવકર્મીઓ માટે જ નહીં, પરંતુ પરિવાર માટે પણ અતિ વ્યથિત કરનાર ક્ષણો હોય છે. તેથી યુવાનોને સાહસ અને બેદરકારી વચ્ચેનો તફાવત સમજવો જોઈએ, કારણ કે એક ક્ષણની અસાવધાની સમગ્ર પરિવાર માટે આઘાતજનક બની શકે છે.
સમાજમાં એવા અનેક નિઃશબ્દ નાયકો છે, જેઓ પોતાની ફરજથી પણ આગળ વધી નિઃસ્વાર્થ ભાવથી માનવસેવામાં જોડાયેલા રહે છે. “જળના જાંબાઝ” શ્રેણીમાં કમલેશભાઈ પુરોહિતની સેવાગાથા એ દર્શાવે છે કે સાચી સેવા કોઈ હોદ્દા કે પ્રસિદ્ધિથી નહીં, પરંતુ માનવતા માટે જીવંત સમર્પણથી ઓળખાય છે.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ