
ગાંધીનગર,08 જૂન (હિ.સ.) ગુજરાતના નવા ડીજીપી જી.એસ.મલિકે આજે ગાંધીનગર પોલીસ ભવન ખાતે ચાર્જ સંભાળ્યો, સાથે જ્યાં સુધી અમદાવાદના નવા પોલીસ કમિશનરની નિમણૂક ન થાય ત્યાં સુધી પોલીસ કમિશનરનો ચાર્જ જી.એસ.મલિક પાસે જ રહેશે.
ગુજરાત પોલીસને લાંબા સમય બાદ નવા કાયમી પોલીસ મહાનિર્દેશક મળ્યા છે.1993 બેચના વરિષ્ઠ આઇપીએસ અધિકારી જી.એસ.મલિકે 8 જૂનને સોમવારે ગાંધીનગર સ્થિત પોલીસ ભવન ખાતે રાજ્યના પોલીસ વડા તરીકે સત્તાવાર રીતે ચાર્જ સંભાળી લીધો છે. તેઓ જ્યારે કાર્યભાર ગ્રહણ કરવા પહોંચ્યા ત્યારે ગુજરાત પોલીસના અનેક વરિષ્ઠ અધિકારીઓએ ઉપસ્થિત રહીને તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું.
આ પદભારની સાથે જી.એસ.મલિક પાસે અમદાવાદ શહેર પોલીસ કમિશનરનો ચાર્જ પણ યથાવત્ રહેશે. સોમવારે સવારે તેઓએ પહેલા અમદાવાદ કમિશનર કચેરી ખાતે ઉચ્ચ અધિકારીઓ સાથે મહત્વની બેઠક કરી હતી અને ત્યાંથી તેઓ ગાંધીનગર પોલીસ ભવન કચેરી જવા રવાના થયા હતા. રાજ્યમાં જ્યાં સુધી નવા પોલીસ કમિશનરની સત્તાવાર નિમણૂક ન થાય ત્યાં સુધી ડીજીપી જી.એસ.મલિક પાસે જ અમદાવાદ શહેરનો આ એડિશનલ ચાર્જ રહેશે.
વર્તમાન સમયમાં રાજ્યમાં વધી રહેલા સાયબર ગુનાઓ, સંગઠિત ગુનાખોરી અને આંતરિક સુરક્ષા જેવા વિવિધ મોટા પડકારો વચ્ચે નવા ડીજીપી તરીકે જી.એસ.મલિકની આ નિમણૂક ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. પદભાર સંભાળ્યા બાદ આગામી દિવસોમાં તેમના નેતૃત્વ હેઠળ ગુજરાત પોલીસ વધુ સ્માર્ટ, ટેક્નોલોજી આધારિત અને જનકેન્દ્રિત પોલીસિંગ તરફ આગળ વધશે તેવી આશા ઉચ્ચ અધિકારીઓ અને નાગરિકો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ