


પોરબંદર,09 જૂન (હિ.સ.) વિશ્વ પર્યાવરણ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે પોરબંદર મહાનગરપાલિકા દ્વારા સુદામા ચોક ખાતે વિશેષ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. શહેરને સ્વચ્છ અને પર્યાવરણમૈત્રી બનાવવાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં સ્થાનિક જનપ્રતિનિધિઓ તથા મહાનગરપાલિકાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વિસ્તારમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો.
વધુમાં, રાત્રિના સમયે દુકાનો અને સુપર માર્કેટ બંધ કર્યા બાદ જાહેર માર્ગો પર કચરો ફેંકી જતા દુકાનદારો સામે કડક કાર્યવાહી કરવા મહાનગરપાલિકાના કમિશનર દ્વારા સૂચના આપવામાં આવી હતી. આવા દુકાનદારોને નોટિસ પાઠવી જરૂરી કાર્યવાહી હાથ ધરવા માટે સંબંધિત વિભાગને આદેશ આપવામાં આવ્યો હતો. સફાઈ અભિયાન દરમિયાન નાગરિકોને સ્વચ્છતા જાળવવા, કચરાનો યોગ્ય નિકાલ કરવા તેમજ પર્યાવરણ સંરક્ષણમાં સક્રિય સહભાગી બનવા કમિશનર એચ. જે. પ્રજાપતિ દ્વારા અપીલ કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં કોર્પોરેટર હર્ષદભાઈ બામણીયા, ઇલાબેન પ્રકાશ લાખાણી, આશાબેન દીપકભાઈ સોલંકી તથા યોગેશ પૂનાણી સહિત મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya