
ભાવનગર, 09 જૂન (હિ.સ.) નવા શૈક્ષણિક સત્રના પ્રારંભ સાથે વિદ્યાર્થીઓની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતા ભાવનગર પ્રાદેશિક પરિવહન કચેરી (RTO) દ્વારા સતત બીજા દિવસે પણ સ્કૂલ અને કોલેજોમાં વપરાતા વાહનો સામે સઘન ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. આ અભિયાન દરમિયાન નિયમોનો ભંગ કરતા વાહનો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી.
આરટીઓની ટીમે શહેરના વિવિધ શૈક્ષણિક સંસ્થાઓની આસપાસ તેમજ મુખ્ય માર્ગો પર તપાસ હાથ ધરી હતી. ચેકિંગ દરમિયાન વાહનોના જરૂરી દસ્તાવેજો, પરમિટ, ફિટનેસ સર્ટિફિકેટ, ઈન્શ્યોરન્સ, પ્રદૂષણ પ્રમાણપત્ર તેમજ વાહનચાલકોના લાયસન્સ સહિતના નિયમોની ચકાસણી કરવામાં આવી હતી. તપાસ દરમિયાન અનેક વાહનોમાં નિયમોના ઉલ્લંઘન સામે આવતા કુલ 22 વાહનોને દંડ ફટકારવામાં આવ્યો હતો.
આ કાર્યવાહી હેઠળ રૂ. 1.20 લાખથી વધુનો દંડ વસૂલવામાં આવ્યો હોવાનું આરટીઓના અધિકારીઓએ જણાવ્યું હતું. વિદ્યાર્થીઓના પરિવહનમાં વપરાતા વાહનો સંપૂર્ણપણે સુરક્ષિત અને નિયમબદ્ધ રહે તે માટે આ પ્રકારની ઝુંબેશ આગામી દિવસોમાં પણ ચાલુ રાખવામાં આવશે.
આરટીઓ અધિકારીઓએ સ્કૂલ અને કોલેજ સંચાલકોને પણ વાહનોના તમામ દસ્તાવેજો નિયમિત રાખવા તેમજ વાહનોની સમયસર ફિટનેસ તપાસ કરાવવા અપીલ કરી હતી. ઉપરાંત વાહનચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અને વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં રાખીને જવાબદારીપૂર્વક વાહન હંકારવા સૂચના આપવામાં આવી હતી.
વિદ્યાર્થીઓના જીવનની સુરક્ષા સાથે કોઈપણ પ્રકારનું સમાધાન ન થાય તે માટે આરટીઓ દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. આ અભિયાનના કારણે નિયમોનું પાલન વધશે અને શાળા-કોલેજોમાં આવતા-જતા વિદ્યાર્થીઓ માટે વધુ સુરક્ષિત પરિવહન વ્યવસ્થા ઉપલબ્ધ બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA