
બોટાદ, 09 જૂન (હિ.સ.) ગઢડા નગરપાલિકા ખાતે કેન્દ્રીય મંત્રી નીમુ બામણીયાની ઉપસ્થિતિમાં સ્વચ્છ ભારત મિશન અને “એક પેડ માટે નામ” અભિયાન અંતર્ગત વિવિધ જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સ્વચ્છતા, પર્યાવરણ સંરક્ષણ અને નાગરિકોમાં સામાજિક જવાબદારી અંગે જાગૃતિ લાવવાનો હતો.
કાર્યક્રમ દરમિયાન સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ગઢડા નગરપાલિકા દ્વારા ખરીદવામાં આવેલ મીની ફાયર ફાઈટર વાહનનું વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ આધુનિક સુવિધાસભર વાહન શહેરમાં આગ જેવી આકસ્મિક પરિસ્થિતિઓમાં ઝડપી પ્રતિસાદ આપવા માટે ઉપયોગી સાબિત થશે. મીની ફાયર ફાઈટર ઉપલબ્ધ થતાં નગરપાલિકાની અગ્નિશામક વ્યવસ્થામાં વધુ મજબૂતી આવશે અને નાગરિકોની સુરક્ષામાં વધારો થશે.
કેન્દ્રીય મંત્રી નીમુબેન બામણીયાએ પોતાના સંબોધનમાં સ્વચ્છ ભારત મિશનના ઉદ્દેશ્યોને સફળ બનાવવા માટે દરેક નાગરિકને સક્રિય સહભાગી બનવા અનુરોધ કર્યો હતો. તેમણે “એક પેડ માટે નામ” અભિયાન અંતર્ગત વધુમાં વધુ વૃક્ષારોપણ કરીને પર્યાવરણનું જતન કરવા અને આગામી પેઢી માટે હરિયાળું ભવિષ્ય નિર્માણ કરવાની અપીલ કરી હતી.
કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો, નગરપાલિકાના પદાધિકારીઓ, અધિકારીઓ, કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણ સંબંધિત સંકલ્પ લઈને શહેરને વધુ સ્વચ્છ, હરિયાળું અને સુરક્ષિત બનાવવાના પ્રયાસોમાં સહભાગી બનવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
આ કાર્યક્રમ દ્વારા ગઢડા શહેરમાં સ્વચ્છતા, પર્યાવરણ જાગૃતિ અને જાહેર સુરક્ષા અંગે સકારાત્મક સંદેશ પહોંચ્યો હતો તેમજ નગરપાલિકાની સેવાઓમાં એક મહત્વપૂર્ણ સુવિધાનો ઉમેરો થયો હતો.
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA