



પોરબંદર, 09 જૂન (હિ.સ.) દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સફળ, જનકલ્યાણલક્ષી અને કાર્યકુશળ નેતૃત્વના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે પોરબંદર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં 08-06-2026 થી 14-06-2026 દરમિયાન “સ્વચ્છતા સપ્તાહ” ની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
જિલ્લા પંચાયત, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી (DRDA), તાલુકા પંચાયત તથા ગ્રામ પંચાયતોના સંયુક્ત સહયોગથી સમગ્ર જિલ્લામાં સ્વચ્છતા સપ્તાહ અંતર્ગત વિવિધ જનજાગૃતિ અને સ્વચ્છતા કેન્દ્રિત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.
આ સપ્તાહ દરમિયાન ગ્રામ્ય કક્ષાએ સફાઈ અભિયાન, સ્વચ્છતા જાગૃતિ રેલીઓ, જાહેર સ્થળોની સફાઈ, કચરા વ્યવસ્થાપન અંગે જાગૃતિ સહિતની વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે. ગામ પંચાયતો, શાળાઓ, આંગણવાડી કેન્દ્રો તેમજ સ્થાનિક નાગરિકો આ અભિયાનમાં સક્રિય સહભાગી બની સ્વચ્છ અને સ્વસ્થ ગામોના નિર્માણ માટે યોગદાન આપશે.
સ્વચ્છતા સપ્તાહનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા અંગે જનજાગૃતિ વધારવાનો, સામૂહિક જવાબદારીની ભાવના વિકસાવવાનો અને સ્વચ્છ ભારતના સંકલ્પને વધુ મજબૂત બનાવવાનો છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને આ અભિયાનમાં ઉત્સાહપૂર્વક જોડાઈ સ્વચ્છતા જાળવવા અપીલ કરવામાં આવી છે.
-
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya