
- બનાસકાંઠામાં વાદળો ઘેરાયા
- ચોમાસું 5 દિવસમાં 13 રાજ્યમાં પહોંચ્યું, 48 કલાકમાં મુંબઈ પહોંચશે
અમદાવાદ,09 જૂન (હિ.સ.) ગુજરાતમાં હજી ચોમાસું બેઠું નથી જેનાથી વરસાદી માહોલને લઈ પાક લણતા ખેડૂતોની ચિંતા વધી છે. ગુજરાતમાં ઉનાળાની આકરી ગરમી અને અસહ્ય અકળામણનો પ્રકોપ યથાવત્ છે. સામાન્ય વરસાદ બાદ તપામાનમાં વધારો થતાં અને હવાના ભેજને કારણે હાલમાં ભારે બફારો થઈ રહ્યો છે. હવામાન વિભાગ જણાવ્યા અનુસાર, રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન સામાન્ય કે સામાન્યથી વધુ નોંધાયું છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં હવામાન સંપૂર્ણપણે સૂકું રહ્યું હતું. 8 જૂનના રોજ રાજ્યનું સૌથી ઊંચું તાપમાન અમદાવાદમાં 42.2°C નોંધાયું હતું, જે સામાન્ય કરતાં +1.3°C વધુ છે.
દેશમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ચોમાસું 5 દિવસમાં 13 રાજ્ય સુધી પહોંચી ગયું છે. તેણે સોમવારે તેલંગાણામાં પ્રવેશ કર્યો છે. ચોમાસું પશ્ચિમ કિનારે હવે મુંબઈથી 150 કિમી દૂર છે. આગામી 48 કલાકમાં તે મુંબઈમાં દસ્તક આપી શકે છે.
આજે વહેલી સવારથી બનાસકાંઠા જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. અમીરગઢ, ઈકબાલગઢ, ડીસા, પાલનપુર, દાંતીવાડા, ધાનેરા, કાંકરેજ સહિત જિલ્લાના અનેક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ સાથે વરસાદી માહોલ સર્જાયો છે. આકાશમાં ઘેરાયેલા વાદળોને કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
હાલમાં ખેતરોમાં બાજરી અને મગફળી સહિતના પાક તૈયાર હાલતમાં હોવાથી વરસાદની આશંકાએ ખેડૂતોમાં ફફડાટ ફેલાયો છે. જો વરસાદ વરસે તો તૈયાર પાકને નુકસાન થવાની ભીતિ છે, જેના કારણે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ જવાની સ્થિતિ સર્જાઈ છે.
અમદાવાદમાં આગામી સમયમાં આકાશ આંશિક વાદળછાયું રહેવાની શક્યતા છે અને મહત્તમ તાપમાન 42°Cની આસપાસ રહેવાનું અનુમાન છે. હાલમાં કોઈ મોટી આકસ્મિક 'વેધર વોર્નિંગ' જાહેર કરવામાં આવી નથી.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી અઠવાડિયામાં રાજ્યના મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. જોકે, પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે રાજ્યના વિવિધ ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ કે ગાજવીજ સાથે ઝાપટાં પડવાની સંભાવના છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ