
પાટણ, 09 જૂન (હિ.સ.) પાટણ જિલ્લાના રાધનપુર ખાતે કોંગ્રેસ પાર્ટી દ્વારા વધતી મોંઘવારીના મુદ્દે વિરોધ પ્રદર્શન યોજાયું હતું. કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ બળદગાડા સાથે પ્રતિકાત્મક રેલી કાઢી ભાવવધારા સામે સૂત્રોચ્ચાર કર્યા હતા અને બાદમાં સેવાસદન ખાતે પ્રાંત અધિકારીને આવેદનપત્ર સુપરત કર્યું હતું.
કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું હતું કે પેટ્રોલ, ડીઝલ, ગેસ સિલિન્ડર તેમજ રોજિંદા ઉપયોગની ચીજવસ્તુઓના સતત વધી રહેલા ભાવને કારણે સામાન્ય, મધ્યમ વર્ગ, ગરીબ અને શ્રમિક વર્ગનું જીવન મુશ્કેલ બન્યું છે.
ભાવવધારાના કારણે લોકો પર આર્થિક બોજ વધતો જઈ રહ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું.
આવેદનપત્રમાં ભાવવધારો નિયંત્રણમાં લેવા અને જનતાને રાહત મળે તેવા તાત્કાલિક પગલાં ભરવાની માંગ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ ઘેમર રબાર, શહેર પ્રમુખ રફિક ઘાંચી, તાલુકા પ્રમુખ ભેમાજી ઠાકોર સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ