
સિલવાસા,09 જૂન (હિ.સ.) દાદરા–દેમની ગ્રામ પંચાયત દ્વારા ‘સ્વચ્છ ગામ, સુરક્ષિત જળવાયુ’ અભિયાન અંતર્ગત મહત્વપૂર્ણ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામસભામાં સ્વચ્છતા, પર્યાવરણ સંરક્ષણ, જળવાયુ પરિવર્તન, જળ સંરક્ષણ તેમજ ગામના સર્વાંગી વિકાસ સંબંધિત વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ ગ્રામજનોને સ્વચ્છ અને હરિયાળું વાતાવરણ જાળવી રાખવા માટે જાગૃત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે દાદરા પંચાયતના સરપંચ ભારતીબેન હળપતિ, દેમની પંચાયતના સરપંચ સુમિત્રાબેન પટેલ, દાદરા જિલ્લા પંચાયત સભ્ય કમલેશભાઈ દેસાઈ, દેમની જિલ્લા પંચાયત સભ્ય અનીતાબેન પટેલ, દાદરા પંચાયતના ઉપસરપંચ વિક્કીભાઈ પટેલ, દેમની પંચાયતના ઉપસરપંચ અમૃતભાઈ પટેલ, દાદરા પંચાયત સભ્ય શૈલેષભાઈ પટેલ, વિજયભાઈ રોહિત, અમિતાબેન હળપતિ, કંચનબેન પટેલ, મનીષાબેન પ્રજાપતિ તેમજ દેમની પંચાયત સભ્ય સરિતાબેન પટેલ અને ધર્મિષ્ટાબેન પટેલ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
ગ્રામસભામાં ઉપસ્થિત જનપ્રતિનિધિઓએ ગ્રામજનોને સ્વચ્છતા અભિયાનને, જનઆંદોલનનું સ્વરૂપ આપવા, પર્યાવરણ સંરક્ષણમાં સક્રિય ભાગીદારી નિભાવવાની તથા આવનારી પેઢી માટે સ્વચ્છ અને સુરક્ષિત પર્યાવરણનું નિર્માણ કરવાની અપીલ કરી હતી.
ગ્રામ પંચાયત દ્વારા આયોજિત આ ગ્રામસભામાં ગ્રામજનોની ઉત્સાહપૂર્ણ ભાગીદારી જોવા મળી હતી. જેના કારણે ‘સ્વચ્છ ગામ, સુરક્ષિત જળવાયુ’ અભિયાનને વધુ મજબૂતી મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha