આશ્રય આપનાર દંપતી સાથે વિશ્વાસઘાત, મહિલાની સાથે દુષ્કર્મના આરોપે વ્યક્તિની ધરપકડ
વલસાડ,09 જૂન (હિ.સ.) વલસાડ જિલ્લાના વાપીના ડુંગરા વિસ્તારમાં માનવતા અને વિશ્વાસને શરમાવે તેવી ઘટના સામે આવી છે. રહેવા માટે આશ્રય આપનાર શ્રમિક દંપતીની મહિલાની સાથે તેના જ પરિચિત વ્યક્તિએ દુષ્કર્મ કર્યું હોવાનો આરોપ નોંધાતા ડુંગરા પોલીસે આરોપીની ધરપક
પ્રતિકાત્મક તસ્વીર


વલસાડ,09 જૂન (હિ.સ.) વલસાડ જિલ્લાના વાપીના ડુંગરા વિસ્તારમાં માનવતા અને વિશ્વાસને શરમાવે તેવી ઘટના સામે આવી છે. રહેવા માટે આશ્રય આપનાર શ્રમિક દંપતીની મહિલાની સાથે તેના જ પરિચિત વ્યક્તિએ દુષ્કર્મ કર્યું હોવાનો આરોપ નોંધાતા ડુંગરા પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ, ડુંગરા ઔદ્યોગિક વિસ્તારમાં રહેતા એક શ્રમિક દંપતીએ પોતાની કંપનીમાં કામ કરતા રાકેશ બદ્રીપ્રસાદ ગૌતમ નામના વ્યક્તિને રહેવાની જગ્યા ન હોવાથી બે દિવસ પહેલાં પોતાના રૂમમાં આશ્રય આપ્યો હતો.

ઘટનાના દિવસે મહિલાનો પતિ ઘરગથ્થુ સામાન અને શાકભાજી લેવા બજારમાં ગયો હતો. તે દરમિયાન રૂમમાં એકલી રહેલી મહિલાની સાથે આરોપીએ જબરદસ્તી દુષ્કર્મ કર્યું હોવાનો આક્ષેપ છે. મહિલા કોઈ રીતે આરોપીના કબજામાંથી છૂટીને બહાર આવી અને પાડોશીઓને ઘટનાની જાણ કરી હતી.

બાદમાં મહિલાએ પોતાના પતિને ફોન કરીને સમગ્ર ઘટનાની માહિતી આપી હતી. માહિતી મળતા પતિ તાત્કાલિક ઘરે પહોંચ્યો હતો. સ્થાનિક લોકોની મદદથી આરોપીને પકડી રાખવામાં આવ્યો હતો.

ઘટનાની જાણ થતાં ડુંગરા પોલીસ સ્થળ પર પહોંચી હતી અને આરોપી રાકેશ બદ્રીપ્રસાદ ગૌતમને કસ્ટડીમાં લઈ ધરપકડ કરી હતી. પોલીસે આરોપી વિરુદ્ધ સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ ઘટનાને પગલે વિસ્તારમાં રોષની લાગણી જોવા મળી રહી છે અને સ્થાનિક લોકો આરોપી સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha


 rajesh pande