સુરતના લાલગેટમાં કપડાંના શોરૂમમાં ભીષણ આગ, 20થી વધુ લોકોનું સલામત રેસ્ક્યુ
સુરત, 09 જૂન (હિ.સ.): સુરતના કોટ વિસ્તારના લાલગેટ સ્થિત રાણી તળાવ રોડ પર આવેલી પાંચ માળની ઇમારતમાં મંગળવારે અચાનક આગ લાગતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા કપડાંના શોરૂમમાંથી શરૂ થયેલી આગે ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હ
Surat


સુરત, 09 જૂન (હિ.સ.): સુરતના કોટ વિસ્તારના લાલગેટ સ્થિત રાણી તળાવ રોડ પર આવેલી પાંચ માળની ઇમારતમાં મંગળવારે અચાનક આગ લાગતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા કપડાંના શોરૂમમાંથી શરૂ થયેલી આગે ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેના કારણે ધુમાડો સમગ્ર બિલ્ડિંગમાં ફેલાઈ ગયો. ઉપરના રહેણાંક ફ્લેટોમાં રહેતા લોકો માટે બહાર નીકળવું મુશ્કેલ બની ગયું હતું.

આગની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પાંચ અલગ-અલગ ફાયર સ્ટેશનમાંથી આઠથી વધુ ફાયર ટેન્ડરો મોકલવામાં આવ્યા હતા. દરમિયાન બીજા અને ત્રીજા માળે બે પરિવારો ફસાઈ ગયા હતા અને તેઓ બારીઓમાંથી મદદ માટે બૂમો પાડી રહ્યા હતા. પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ફાયર બ્રિગેડે ટર્ન-ટેબલ લેડરની મદદથી બચાવ કામગીરી હાથ ધરી હતી.

ફાયર કર્મચારીઓએ જોખમ વચ્ચે કામગીરી કરીને બાળકો, મહિલાઓ અને વૃદ્ધો સહિત 20થી વધુ લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. લાંબી જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો અને હાલ કૂલિંગની કામગીરી ચાલી રહી છે. પ્રાથમિક તપાસ મુજબ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, જોકે ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરાઈ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande