
સુરત, 09 જૂન (હિ.સ.): સુરતના નાસિરનગર વિસ્તારમાં થયેલી ડિમોલિશન કાર્યવાહીને લઈને વિવાદ વધુ ઘેરો બન્યો છે. સ્થાનિક રહેવાસીઓ અને કોંગ્રેસના કાર્યકરોએ મહાનગરપાલિકાની મુખ્ય કચેરી તાપી ભવન ખાતે વિરોધ પ્રદર્શન કરીને તંત્ર વિરુદ્ધ નારાજગી વ્યક્ત કરી હતી. પ્રદર્શનકારીઓનો આક્ષેપ છે કે અસરગ્રસ્ત પરિવારોને કોઈ પૂર્વ જાણકારી આપ્યા વગર તેમજ વૈકલ્પિક રહેઠાણની વ્યવસ્થા કર્યા વગર તેમના મકાનો તોડી પાડવામાં આવ્યા, જેના કારણે અનેક પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે.
આંદોલનકારીઓએ પીડિતોને તાત્કાલિક રહેવાની વ્યવસ્થા, થયેલા નુકસાનનું યોગ્ય વળતર અને સમગ્ર ઘટનાની જવાબદારી નક્કી કરીને સંબંધિત અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. વિરોધને પગલે તાપી ભવન પરિસરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
દરમિયાન, સમગ્ર પ્રકરણના કેન્દ્રમાં રહેલા સેન્ટ્રલ ઝોનના એક્ઝિક્યુટિવ એન્જિનિયર જયંગ રામજીવાલા એક સપ્તાહની રજા પર ઉતરી ગયા હોવાના અહેવાલો સામે આવ્યા છે. બીજી તરફ, નાસિરનગરના રહેવાસીઓએ ટોરેન્ટ પાવર પર પણ પ્રશ્નો ઉઠાવ્યા છે. તેમના જણાવ્યા મુજબ, વિસ્તારમાં વીજબીલ વહેંચાયા હોવા ઉપરાંત કેટલાક સ્થળોએ મીટર પણ દૂર કરવામાં આવ્યા છે, જ્યારે આવી કાર્યવાહી માટે કોઈ સત્તાવાર અરજી કરવામાં આવી ન હતી. આ સમગ્ર ઘટનાક્રમને લઈને અનેક નવા સવાલો ઉભા થયા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે