
ગીર સોમનાથ 09 જૂન (હિ.સ.) સોમનાથ મંદિરના પુનઃનિર્માણના ૭૫ વર્ષ પૂરા થવાના ઉપલક્ષ્યમાં આયોજીત ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ અંતર્ગત રાજસ્થાન સરકારની વરિષ્ઠ નાગરિક તીર્થ યાત્રા યોજના અંતર્ગત રાજસ્થાનથી આવેલા ૧૦૦૮ શ્રદ્ધાળુ વરિષ્ઠ નાગરિકોએ, શનિવારે દ્વાદશ જ્યોતિર્લિંગમાંના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતાં.
સોમનાથ મંદિર દર્શન દરમિયાન વરિષ્ઠ નાગરિકોએ, સંધ્યા આરતીમાં ભાગ લીધો અને સોમનાથ મહાદેવ મંદિરની પૌરાણિક અને ઐતિહાસિક ગાથાનું વર્ણન કરતાં લાઈટ એન્ડ સાઉન્ડ શોનો પણ આનંદ માણ્યો હતો.
સોમનાથ મંદિર આ દેશની આધ્યાત્મિક વિરાસતનું પ્રતિક છે. આ મંદિર અનેકવાર તૂટ્યા અને લૂંટાયા પછી પણ શક્તિ, સ્વાભિમાન સાથે ફરી પુનઃસ્થાપિત થયું છે. સરદાર વલ્લભભાઈ પટેલના પ્રયાસોથી આ મંદિરનું પુનઃ નિર્માણ કરવામાં આવ્યું છે. જેના ૭૫ વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં વડાપ્રધાનએ ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ની પહેલ કરી છે, જે સાંસ્કૃતિક ચેતનાનું મહાપર્વ છે.
વહીવટી તંત્ર દ્વારા વેરાવળ રેલવે સ્ટેશન પર આગમન થતાની સાથે જ ૧૦૦૮ વરિષ્ઠ નાગરિક શ્રદ્ધાળુઓનું રંગેચંગે ભવ્ય પરંપરાગત સ્વાગત કરાયું હતું. ગુજરાતની લોકસંસ્કૃતિ સાથે કરવામાં આવેલા સ્વાગતમાં શ્રદ્ધાળુઓ ઓતપ્રોત થયા હતાં.
વરિષ્ઠ નાગરિક તીર્થ યાત્રીઓને વેરાવળથી એ.સી. બસોમાં, ગીર સોમનાથની થ્રી સ્ટાર હોટલમાં રોકાણ આપવામાં આવ્યું હતું. જ્યાં ગુણવત્તાપૂર્ણ નાસ્તો, બપોરનું અને સાંજના ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી.
શનિવાર અને રવિવારના રોજ ગીર સોમનાથના ગૌલૌકધામ, રામમંદિર, બાણગંગા, ભાલકા તીર્થના દર્શન કરાવવામાં આવ્યાં હતાં તેમજ ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ ગેલેરી અને હાટ બજારની પણ મુલાકાત લીધી હતી.
સોમનાથ મહાદેવના દર્શન કર્યા બાદ, તમામ શ્રદ્ધાળુઓ તીર્થ યાત્રાળુઓ માટેની વિશેષ ટ્રેનથી દ્વારકા તેમજ નાગેશ્વર ધામના દર્શન કરવા રવાના થયા હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ