
ગાંદરબલ, નવી દિલ્હી, 09 જૂન (હિ.સ.). કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ, મંગળવારે ઝોઝિલા સુરંગના અંતિમ ખડકના ખોદકામનો શુભારંભ કર્યો. આ સિદ્ધિ 13.15 કિલોમીટર લાંબી ઝોઝિલા સુરંગના નિર્માણમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. પૂર્ણ થવા પર આ એશિયાની સૌથી લાંબી દ્વિદિશાત્મક માર્ગ સુરંગ હશે. આ પરિયોજનાથી કાશ્મીર અને લદ્દાખ વચ્ચે દરેક મોસમમાં સંપર્ક સુનિશ્ચિત થવા ઉપરાંત, ક્ષેત્રમાં પરિવહન, પર્યટન અને આર્થિક ગતિવિધિઓને પ્રોત્સાહન મળવાની અપેક્ષા છે.
નેશનલ હાઈવેઝ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડના અધિકારીઓ અનુસાર, આ મોટી સફળતા નિર્ધારિત સમય કરતાં 6 મહિના વહેલા જ હાંસલ કરી લેવામાં આવી છે. આ સુરંગનું નિર્માણ હૈદરાબાદની મેઘા એન્જિનિયરિંગ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ 11,578 ફૂટની ઊંચાઈ પર કરી રહી છે. 13.15 કિલોમીટર લાંબી સુરંગના ખોદકામનો 13 કિલોમીટરથી વધુ ભાગ પૂર્ણ થઈ ચૂક્યો છે, જેના કારણે આ સુરંગ નિર્માણના તે મહત્વપૂર્ણ તબક્કાની નજીક પહોંચી ગઈ છે જ્યાં બંને છેડાથી ખોદકામના છેડા મળે છે.
માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે જણાવ્યું કે, આ પરિયોજના હિમાલયની સૌથી પડકારજનક પરિયોજનાઓમાંથી એક છે અને આજે મુખ્ય સુરંગના સફળ વિસ્ફોટ સાથે આ એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરવા જઈ રહી છે. સોનમર્ગથી લગભગ 24 કિલોમીટર અને શ્રીનગરથી 103 કિલોમીટર દૂર સ્થિત આ સુરંગ શ્રીનગર અને લદ્દાખ વચ્ચે દરેક મોસમમાં સંપર્ક પૂરો પાડવાની અપેક્ષા છે, જેનાથી દ્રાસ, કારગિલ અને લેહ સુધી પહોંચવામાં ઘણો સુધારો થશે અને ક્ષેત્રમાં નાગરિક અવરજવર, લોજિસ્ટિક્સ અને વ્યૂહાત્મક ગતિશીલતાને પ્રોત્સાહન મળશે.
ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ, શ્રીનગર પહોંચવા પર કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીનું સ્વાગત કર્યું. તેમણે કહ્યું કે, ગડકરીની આ યાત્રા મહત્વપૂર્ણ છે, કારણ કે તેમના પ્રવાસ દરમિયાન કેન્દ્રશાસિત પ્રદેશમાં કનેક્ટિવિટીને મજબૂત કરવા અને વિકાસને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી અનેક મુખ્ય રાજમાર્ગ અને સુરંગ પરિયોજનાઓ સહિત અનેક મહત્વપૂર્ણ માળખાકીય પહેલોની સમીક્ષા કરવામાં આવવાની અપેક્ષા છે. આ યાત્રા એવા સમયે થઈ રહી છે જ્યારે કેન્દ્ર સરકાર જમ્મુ અને કાશ્મીરમાં માર્ગ માળખાકીય સુવિધાઓને સુધારવા માટે ઝડપી પ્રયાસો કરી રહી છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય અવરજવરમાં સુધારો કરવો, યાત્રાનો સમય ઘટાડવો અને આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવાનો છે.
આ પહેલા મેઘા એન્જિનિયરિંગ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર્સ લિમિટેડના સંયુક્ત મુખ્ય સંચાલન અધિકારી હરપાલ સિંહે જણાવ્યું હતું કે, ખોદકામ તેના અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે અને સુરંગના બંને છેડા મળતા પહેલા ફક્ત થોડા મીટરનું ખોદકામ બાકી છે. તેમણે કહ્યું કે, નિર્માણમાં ઝડપ લાવવા માટે મુખ્ય સુરંગ પર કામ કાશ્મીરના બાલ્ટલ અને લદ્દાખના મિનમર્ગ બંને તરફથી એકસાથે કરવામાં આવ્યું હતું. સુરંગમાં જાળવણી અને કટોકટીના કાર્યો માટે એક અલગ પગપાળા માર્ગ પણ હશે. એકવાર પૂર્ણ થયા પછી તેનાથી આખા વર્ષ દરમિયાન ક્ષેત્રમાં કનેક્ટિવિટી, અવરજવર અને આર્થિક ગતિવિધિઓમાં નોંધપાત્ર સુધારો થવાની અપેક્ષા છે.
હિન્દુસ્થાન સમાચાર/બલવાન સિંહ/સુનીત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ